કલોલનાં પ્રકાશ પ્લાઝામાં પાણીની રેલમછેલ
કલોલ : કલોલ શહેરના પ્રકાશ પ્લાઝામાં ગઈકાલે રાત્રે વગર વરસાદે પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. અહીં પાણીનું કનેક્શન આપવાની કામગીરી દરમિયાન બહાર રોડ પર પાણી ફેલાયું હતું.
પ્રકાશ પ્લાઝામાં પાણીની લાઈનમાંથી કોમર્શિયલ કનેક્શન આપવામાં આવતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણીનું પ્રેશર ઘટી જવાની સંભાવના પણ રહેલી છે. કલોલ શહેરમાં પાણીની સમસ્યા વચ્ચે કોમર્શિયલ કનેક્શન આપવામાં આવતા નાગરિકોના ઘરો સુધી પહોંચતો પાણીનો જથ્થો ઘટી જવાની ભીતી રહેલી છે તેમ લોકોએ જણાવ્યું હતું.
જાહેર માર્ગો પર ખોદવામાં આવેલા ખાડાઓને કારણે અકસ્માતની સંભાવનાઓ વધી છે. ચોમાસાની સિઝન ચાલુ હોવાથી ભારે વરસાદ પડે તો આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતા છે. પ્રકાશ પ્લાઝા તેમજ મટવાકુવા ખાતે આ રીતના જોખમી ખાડાઓ ખોદવામાં આવ્યા હતા. આ સંજોગોમાં અંદર કોઈ ખાબકે તો જીવ જવાનો પણ જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા ચોમાસામાં ખાડા ખોદવાની મંજૂરી આપવામાં આવતા રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.