કલોલ રેલવે પૂર્વ લાઇબ્રેરી વિવાદ
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં માંડ માંડ બનેલ લાઇબ્રેરીને નવું ગ્રહણ લાગી ગયું છે. હવે લાઇબ્રેરી કોના નામ પાર રાખવી તે અંગે વિવાદ થયો છે અને એસસી સમાજની અલગ અલગ સંસ્થાઓ પાલિકામાં જઈને પોતાને ગમતું નામ રાખવા પાલિકામાં રજૂઆત કરી રહી છે.
બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિએ લાઇબ્રેરીનું નામ સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવા રજૂઆત કરી છે તો બીજી તરફ વણકર યુવા સમિતિએ જ્યોતિબા ફુલેનું નામ રાખવા રજૂઆત કરી છે. તો ત્રીજી તરફ રોહિત સમાજ સેવા મિશને દરેક સમાજની સંસ્થામાંથી બે આગેવાનોને સંચાલન માટે મુકવા માંગ કરી છે. વાંચકોને અહીં જણાવી દઈએ કે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે પતિ-પત્ની હતા. બંનેમાંથી કોઈપણ એકનું નામ રાખે તો કોઈને વિરોધ હોઈ શકે નહીં.
જેતે સમયે ખાતમુહૂર્ત વખતે તમામ સંસ્થાઓએ ભેગા થઈ જ્યોતિબા ફૂલે નામ રાખવા સહમતી દર્શાવી હોવાનું વણકર યુવા સમિતિએ જણાવ્યું છે.
લાઇબ્રેરી બનવાથી લઈને પુરી થઇ ત્યાં સુધી કોઈ ડોકિયું કરવા પણ આવ્યું નથી પણ હવે જયારે જશ લેવાનો સમય આવ્યો ત્યારે એસસી સમાજની તમામ સંસ્થાઓ આ મામલે કૂદી પડી છે. રેલવે પૂર્વના એક આગેવાને જણાવ્યું હતું કે આ મુદ્દે સમાજે એક થવાનું હોય તેવા સંજોગોમાં સૌ પોતાના રોટલા શેકવા બેસી ગયા છે. રેલવે પૂર્વમાં સૌથી વધુ વસ્તી એસસી સમાજની છે, આ તમામ સંસ્થાઓ વાળા એક થઈને ધારે તો રેલવે પૂર્વની રોનક બદલાઈ જાય તેમ છે પરંતુ બધાને પોતાની ક્રેડિટ ઊંચી રાખવી હોવાથી જનતાને સ્પર્શતા સીધા મુદ્દાને અડવા માંગતા નથી.
અન્ય એક આગેવાને ઉમેર્યું હતું કે કેટલીય રજૂઆત બાદ બનેલ લાઇબ્રેરી હવે તૈયાર થઇ ગઈ છે ત્યારે અંદરોઅંદર ટાંટિયાખેંચને સ્થાને સકારાત્મક વિચાર રાખીને વિધાર્થીઓ યુવાનોને મદદ કરવાની ભાવના રાખવી જોઈએ.