કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીએ એક નવું ફરમાન જારી કર્યું છે. કચેરી બહાર એક સફેદ કાગળમાં કોઈપણ અધિકારી કે કર્મચારીના સહી-સિક્કા વગર એક સૂચના લખવામાં આવી છે કે ” સબ રજિસ્ટ્રાર કચેરીના કામ સિવાયના કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછવા નહીં”. આ પ્રકારની સૂચના લગાવીને સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ પોતાની તુમાખી દર્શાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કલોલ શહેર અને તાલુકાના ગામોમાંથી દૈનિક અનેક લોકો પોતાના કામ માટે મામલતદાર કચેરીમાં આવતા હોય છે. સ્વાભાવિક છે કે બધાને કઈ શાખા ક્યાં છે અને કઈ રીતે કામ થાય તેની સમજ ન હોય. વધારામાં પૂરું કલોલ મામલતદાર કચેરીમાં પૂછપરછ કરી શકાય અને સાચી માહિતી મળી શકે તેવી કોઈ બારી પણ નથી.
આ સંજોગોમાં અરજદાર ગમે તે ઓફિસમાં જઈને પૂછપરછ કરે તો તેને સાચી માહિતી મળી જતી હોય છે. પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને કમર્ચારીઓએ આ પ્રકારની સૂચના લગાવીને પોતાની ઉદ્ધતાઈ બતાવી છે. સરકારી નોકરની ફરજ છે કે કોઈપણ અરજદાર માહિતી કે પૂછપરછ માટે આવે તો તેને જવાબ આપવો પરંતુ આટલું કામ પણ તેમને ભારે પડતું હોય તેમ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સૂચના લગાવીને બેસી ગયા છે. આ સ્થિતિમાં સરકાર સુશાસન દિવસની ઉજવણી કરે છે ત્યારે કોઈ અરજદારને પૂછપરછથી રોકવા બોર્ડ લગાવવું કેટલું યોગ્ય છે ?
કલોલ મામલતદાર કચેરી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીને પુરવઠા શાખા પાસે ખસેડવામાં આવી છે. પુરવઠા શાખા પાસે સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત તો કરવામાં આવી છે પણ કચેરી ઉપર તેની ઓળખ દર્શાવતું કોઈ બોર્ડ પણ લગાવ્યું નથી. આથી અરજદારોની મૂંઝવણનો પાર રહેતો નથી. પૂછપરછ કરવી નહીં તેવી મોટા ઉપાડે સૂચના લગાવનાર સબ રજિસ્ટ્રાર કચેરી તેમનું બોર્ડ ક્યારે લગાવશે તે મોટો પ્રશ્ન છે.
કલોલની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સૌથી વધુ ભીડ રહેતી હોય છે. દિવસ દરમિયાન પગ મુકવાની જગ્યા હોતી નથી. દસ્તાવેજ કરનારા નાગરિકો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. બેસવા માટેના બાંકડાની વ્યવસ્થા ન હોવાથી વૃદ્ધોની કફોડી હાલત થાય છે. લોકો તડકામાં શેકાતા ઉભા હોય છે, વધુમાં પૂરું પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી ત્યાં આવતા અરજદારોમાં રોષ જોવા મળ્યો છે.
સબ રજિસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓ કરતા વચેટિયા વધુ જોવા મળે છે. જેનું કંઈ કામ ના હોય તેવા બહારના લોકો કચેરીમાં પડ્યા પાથર્યા રહેતા હોવાથી અંદર કઈંક રંધાતું હોય તેવી શક્યતા રહેલી છે. કલોલની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભારે પોલમપોલ ચાલી રહી છે તેવું લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તપાસ હાથ ધરાશે કે નહીં તે મોટો સવાલ છે.