કલોલ તાલુકા સંગઠન પ્રમુખની અવળચંડાઈ આગામી ચૂંટણીમાં ભાજપને ભારે પડે તો નવાઈ નહીં

કલોલ તાલુકા સંગઠન પ્રમુખની અવળચંડાઈ આગામી ચૂંટણીમાં ભાજપને ભારે પડે તો નવાઈ નહીં

Share On

કલોલ :  કલોલ તાલુકા ભાજપ પ્રમુખની આપખુદશાહી સામે ભાજપના કાર્યકરોમાં જ અસંતોષ ફેલાયો છે. તાલુકા ભાજપ પ્રમુખની તાનાશાહી કામગીરીને કારણે પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપનું ફોક્સ તાલુકા પંચાયત પર કબ્જો કરવાનું છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખની અવળચંડાઈ સમગ્ર પક્ષને ભારે પડે તેવી શક્યતા હોવા મળી છે.  ભાર્ગવ પટેલની કામગીરી સામે હવે કાર્યકરો જ સવાલ ઉઠાવી રહ્યા છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા યુવાઓને આગળ કરીને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ નવા બનેલા પ્રમુખ જ પક્ષનું નામ ડુબાડવા બેઠા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. કાર્યકરો કોઈપણ પક્ષની કરોડરજ્જુ હોય છે તેમાં પણ વર્ષોથી પક્ષની નિ:સ્વાર્થ સેવા કરનાર કાર્યકરોને માન સન્માન આપવામાં આવતું હોય છે. જોકે કલોલ તાલુકા ભાજપ સંગઠનમાં તો ઉલટી જ ગંગા વહે છે. ભાજપ પ્રમુખ આવા પાયાના કાર્યકરોને તો તુચ્છ માખી મચ્છર જ સમજે છે. તેમની અવગણના અને અપમાન કરવામાં આવે છે તેવી લોકચર્ચા જામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા ભાજપના વફાદાર અને વર્ષોથી પક્ષ માટે નિષ્ઠાથી કામ કરનારા કાર્યકરોને હડધુત અને તેમને અપમાનિત કરાતા હોવાની ખુદ કાર્યકરો જ ચર્ચા કરી રહ્યા છે. પક્ષના કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે કે ભાર્ગવ પટેલ પોતાને ભાજપના કર્તાધર્તા ગણીને એકહથ્થુ નિર્ણયો લઈ રહ્યા છે, જેના કારણે સંગઠનની આંતરિક એકતા પર અસર પડી રહી છે.

 

 

કાર્યકરો અનુસાર ભાજપ સંગઠન પ્રમુખ એકને ખોળ અને બીજાને ગોળ આપવા જેવી પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ તરીકે તેમણે દરેક સમાજના કાર્યકરોને એક સમાન ગણવા જોઈએ. જોકે પ્રમુખ સંગઠનમાં પણ જાતિવાદ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. ભાર્ગવ પટેલ દ્વારા સંગઠનમાં એક સમાજના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે અન્ય સમાજના કાર્યકરોની અવગણના થઈ રહી છે.  સંગઠન પ્રમુખની વ્હાલા દવલાં નીતિને કારણે કાર્યકરોના મનોબળ પર નકારાત્મક અસર પણ પડી રહી છે.

 

પાનસરમાં ચાલતી ચર્ચા અનુસાર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખના પરિવારના એક સભ્યના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન ગામના વિકાસ માટે મળેલી ગ્રાન્ટનો બારોબાર વહીવટ જ થયો છે,જેના કારણે ગામના મહત્વના વિકાસના કામો અટકી પડ્યા છે. આ બાબતે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે.ગામના રસ્તા, પાણીની સુવિધા અને જાહેર સ્થળોના નવીનીકરણ માટે મળેલી ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય રીતે થયો નથી તેવી લોકચર્ચાઓએ જોર પકડ્યું છે.

તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સામે ગંભીર આરોપો ઉઠ્યા છે.લોકચર્ચા અનુસાર,  પ્રમુખ પોતાના મળતીયાઓ મારફતે આસપાસની ફેક્ટરીઓ વિરુદ્ધ ખોટી અરજીઓ કરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અરજીઓ દ્વારા તેઓ ફેક્ટરી માલિકો પાસેથી તોડબાજી કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે.વારંવાર બનતી આ ઘટનાઓને લઈને ફેક્ટરી માલિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આવી પ્રવુતિથી  તાલુકા સંગઠનની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. કાર્યકરોમાં ગણગણાટ વ્યાપ્યો છે કે આવા કારનામાઓથી પક્ષની છબી ખરડાઈ શકે છે.

ભાજપ હાઈકમાન્ડે યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાર્ગવ પટેલને તાલુકા પ્રમુખની જવાબદારી સોંપી હતી. જોકે હવે ભાર્ગવ પટેલની કામગીરી અને વર્તનને લઈને ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પક્ષના વરિષ્ઠ કાર્યકરોએ ભાર્ગવ પટેલ પર આરોપ મૂક્યો છે કે તેમની નીતિઓ અને વ્યક્તિગત હિતોને પ્રાથમિકતા આપવાની વૃત્તિએ પક્ષની આંતરિક એકતાને નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં જો જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ભાર્ગવ પટેલ વિરુદ્ધ કડક પગલાં નહીં લેવાય, તો નિષ્ઠાવાન કાર્યકરોનું મનોબળ તૂટી શકે છેઆગામી તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે. લોકોમાં ચાલતી ચર્ચા અનુસાર ભાર્ગવ પટેલના વિવાદાસ્પદ નિર્ણયો અને જાતે ઉભા કરેલા વિવાદોને કારણે આગામી ચૂંટણીમાં પક્ષ માટે ઘાતક સાબિત થઇ શકે તેમ છે જેથી જો ભાજપને જીતવું હશે તો તાલુકા સંગઠનના પ્રમુખ પર લગામ કસવી જ પડશે.

કલોલ સમાચાર