કલોલ વોર્ડ 5ના ભાજપના કાઉન્સિલરો – હોદ્દેદારોનું બુદ્ધિનું પ્રદર્શન, 500 મીટરના અંતરમાં 9 બમ્પ ખડકી દીધા
કલોલના પૂર્વ વિસ્તારમાં આવતા વોર્ડ પાંચમાં ભાજપના હોદ્દેદારો અને નગરસેવકોએ નવું પરાક્રમ કર્યું છે. નિયમની ઉપરવટ જઈને પોતપોતાને યોગ્ય લાગે તેવી જગ્યાએ બમ્પ બનાવી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે.
વોર્ડ પાંચની ભાગ્યોદય સોસાયટીથી પંચશીલ નગર સુધીના માત્ર 500 મીટરના રોડ પર નવ – નવ જેટલા સ્પીડ બેકર બનાવીને નગરસેવકો અને હોદ્દેદારોએ અક્કલનું પ્રદર્શન કર્યું છે. શાળા અને હોસ્પિટલ સુધી બમ્પ બરાબર છે પરંતુ સોસાયટીઓ આગળ અને ખાનગી મકાનો આગળ પણ બમ્પ બનાવવા માટે ભાજપના હોદ્દેદારોએ જીદ કરીને ધરાર બમ્પ બનાવડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોતાની અંગત રાજનીતિ અને સ્વાર્થ ચમકાવવા માટે હોદ્દેદારો અને નગરસેવકોએ અન્ય વાહન ચાલકોને મોતના મુખમાં ધકેલી દેવાનું કાવતરું ઘડ્યું છે. યોગ્ય સ્થળોએ મર્યાદિત સંખ્યામાં બમ્પ જરૂરી છે પણ જ્યાં જરૂર ના હોય ત્યાં બમ્પ બનાવી દેતા અગાઉ નગરપાલિકાના ઇજનેર અને કોન્ટ્રાક્ટર દ્વારા સર્વે કરવામાં આવ્યો નહીં હોય ?
પોતાના અંગત સ્વાર્થ અને રાજનીતિ ચમકાવવા નગરસેવકો અને હોદ્દેદારોએ બમ્પ બનાવ્યા તેનો ખર્ચો પ્રજાના ટેક્સના પૈસે જ કાઢવામાં આવશે. આથી વોર્ડ પાંચમાં શાળા સિવાય અન્યત્ર સ્થળોએ બમ્પ બન્યા છે તેનો ખર્ચો ભાજપના હોદ્દેદારો અને નગરસેવકો પાસેથી જ વસૂલ કરવો જોઈએ.