કલોલના અંબિકા બસ સ્ટેન્ડ ખાતે જાહેર શૌચાલયના અભાવે મહિલાઓની સ્થિતિ કફોડી
સ્ટોરી બાય પ્રશાંત લેઉવા
કલોલ : કલોલના અંબિકા બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા કેટલાય વર્ષથી જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવશે તેવા ફક્ત વચનો જ આપવામાં આવી રહ્યા છે. આ બસ સ્ટેન્ડ પરથી દિવસના હજારો લોકો અવર-જવર કરતા હોવાથી અહીં જાહેર શૌચાલયની માંગણી ઘણા સમયથી થઈ રહી છે પરંતુ કલોલ નગરપાલિકા અને ટોલટેક્સ કંપની એકબીજાને ખો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બસ સ્ટેશન ખાતે જાહેર શૌચાલયના અભાવે મહિલાઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા અહીં ઝડપથી જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ થઈ છે.

કલોલ હાઇવે પર આવેલ અંબિકા બસ સ્ટેન્ડથી અમદાવાદ તેમજ મહેસાણા-પાલનપુર તરફ મોટી સંખ્યામાં મુસાફરો તેમજ નોકરિયાતો અપડાઉન કરે છે. આ સ્ટેન્ડ પરથી રાજસ્થાન જવા માટે પણ મોટી સંખ્યામાં બસો મળી રહે છે તેમજ સુરત અને સૌરાષ્ટ્ર તરફ જતી બસોની પણ કનેક્ટિવિટી મળી રહે છે. આમ અહીં દૈનિક હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે.જોકે આ સ્ટેન્ડ પર જાહેર શૌચાલયને અભાવે મુસાફરો અને ખાસ કરીને મહિલાઓને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર અંબિકા બસ સ્ટેશન વિસ્તારમાં શૌચાલયના અભાવે મહિલાઓની સ્થિતિ કફોડી બની છે. જો કોઈને ઇમરજન્સીમાં જવું હોય તો સ્પેશ્યલ રીક્ષા ભાડું ખર્ચી કિલોમીટર દૂર બગીચા સુધી જવાની ફરજ પડે છે.
અંબિકા હાઇવે પર અનેક દુકાનો આવેલ હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી અર્થે આવતા હોય છે. અંબિકા બસ સ્ટેન્ડ આસપાસ આવેલ વેપારીઓને પણ જાહેર શૌચાલયને અભાવે પરેશાની થઇ રહી છે. સરકાર એકબાજુ સ્વચ્છતાની વાતો કરે છે ત્યારે લોકો જાહેરમાં જ મૂત્રત્યાગ કરી ગંદકી ફેલાવતા હોય છે. કલોલના આટલા મોટા વિસ્તારમાં એક જાહેર શૌચાલય ન હોવું તે તંત્ર માટે શરમની વાત છે તેવું લોકો જણાવી રહ્યા છે.