ચૂંટણી અનુલક્ષીને હુમલો થયો હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું નથી : ડીવાયએસપી પીડી મનવર
વ્યક્તિગત કારણોસર હુમલો થયો હોવાની ચર્ચા. ઇજાગ્રસ્ત યુવાન પર અનેક કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું. ચૂંટણીને કે રાજકારણને લેવા દેવા ન હોવાની વાત સામે આવી.
મળતી વિગતો મુજબ ગઈકાલની મોડી સાંજે પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુદર્શન ચોકડી પાસે પહોંચતા તેમના પર ટોળાએ તલવાર વળે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પટેલ જૈમીન પ્રહલાદભાઈ સુદર્શન ચોકડી પાસે શાકભાજી લેવા અર્થે ઉભા હતા. ત્યારે ટોળામાં ઉભેલા એક ઇસમ દ્વારા તેમને જેમ ફાવે તેમ ગાળો બોલવામાં આવી હતી.
જેથી જૈમીનભાઈએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા અન્ય ઈસમ દ્વારા જૈમીન ભાઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જૈમીન ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અનુસંધાને આજરોજ ડીવાયએસપી પી.ડી.મનવર દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ચૂંટણી અનુલક્ષી હુમલો હોય તેમ જણાઈ આવતું નથી, પરંતુ પોલીસ એ એંગલમાં પણ તપાસ કરી રહી છે.જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હુમલામાં ઘાયલ થયેલ જૈમિન ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જેના વિરુદ્ધ માં અનેક પ્રકારના ગુનાઓ કલોલ તાલુકા ના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી એકત્ર કરી હુમલો કરી ભાગી ગયેલ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.