કલોલ પૂર્વમાં તંત્રના પાપે મોક્ષ ધામ બિસ્માર બન્યું

કલોલ પૂર્વમાં તંત્રના પાપે મોક્ષ ધામ બિસ્માર બન્યું

Share On

કલોલ પૂર્વમાં તંત્રના પાપે મોક્ષ ધામ બિસ્માર બન્યું

 

પ્રશાંત લેઉવા | કલોલ

 

મનુષ્ય જીવનનો અંતિમ વિસામો સ્મશાન કહેવાય છે. પરંતુ આ મુક્તિધામ જ અસ્વચ્છ અને સુવિધા વિનાનું હોય તો લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારમાં પાણીની ટાંકીની બાજુમાં વર્ષો અગાઉ મુક્તિધામ બનાવવામાં આવ્યું હતું. જોકે સમય વીતતા જાળવણીના અભાવે હવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. આશરે 40 હજારથી પણ લોકો પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતા હોવા છતાં અંતિમ વિધિ માટે સુવિધાસભર મુક્તિધામ ન મળી શકે તે શરમની વાત છે.

રેલવે પૂર્વમાં આવેલ મુક્તિધામ હાલ પાયાની કોઈપણ સુવિધા ઉપલબ્ધ નથી. થોડા વર્ષ અગાઉ અહીં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવતો હતો જોકે જરૂરી સુવિધાઓને અભાવે હવે ગણ્યા ગાંઠ્યા મૃતદેહની અંતિમ વિધિ અહીં કરાઈ રહી છે. સ્મશાનમાં અગાઉ લાકડા,બગીચો તેમજ હાથ પગ ધોવાની સગવડ હતી તેનું નામ નિશાન જોવા મળતું નથી. લોખંડની બંને સગડીઓ તૂટી ગઈ છે તેમજ દીવાલો પરથી પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. જેને લીધે કોઈ દુર્ઘટના થવાની શક્યતા રહેલી છે.

પૂર્વ વિસ્તારના લોકો પોતાના સ્વજનની અંતિમવિધિ માટે 3 કિલોમીટર દૂર આવેલ હાઇવે પરના સ્મશાનમાં જવા મજબુર બન્યા છે. રેલવે પૂર્વમાં બનાસ નગરમાં આવેલ સ્મશાનનું સમારકામ કરીને તેને સુવિધાસભર બનાવવામાં આવે તો વિસ્તારની જનતાને 3 કિલોમીટર દૂર જવું નહીં પડે. આ મુક્તિધામમાં પણ ગેસ આધારિત વિધુત ભઠ્ઠી મુકવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે જેથી લાકડાનો ઉપયોગ ઘટાડી શકાય.આ ઉપરાંત આ સ્મશાનને લાયન્સ નગર સાથે જોડતો રસ્તો પણ ખુલ્લો કરાવી દેવાય તો લોકોને મોટી રાહત થઇ શકે તેમ છે.

કલોલ સમાચાર