શહેર સંગઠનના હોદ્દેદારના પાપે પૂર્વમાં ચોમાસામાં રઘુવીર સહીત હજારો ઘરોમાં પાણી ભરાશે

શહેર સંગઠનના હોદ્દેદારના પાપે પૂર્વમાં ચોમાસામાં રઘુવીર સહીત હજારો ઘરોમાં પાણી ભરાશે

Share On

ધાર્યું ના થાય તો ત્રાગા કરનાર ભાજપના બની બેઠેલા હોદ્દેદારની બમ્પ બનાવ્યા બાદ ના કહેવાય – ના સહેવાય જેવી હાલત

કલોલ શહેર મંત્રીનો કેન્દ્રીય ગૃહમંત્રી જેવો પાવર છતાં ભાજપ મૌન

કલોલ : કલોલ પૂર્વની રઘુવીર સોસાયટી, ચોકડી અને ભાગ્યોદય સોસાયટી આસપાસના વિસ્તારોમાં આ ચોમાસે ભારે અગવડનો સામનો કરવો પડી શકે છે. શહેર ભાજપ સંગઠનના એક વિવાદાસ્પદ રાજકીય વ્યક્તિની ધરાર જીદ અને ખોટી માંગણીઓને કારણે તંત્ર દ્વારા આડેધડ રીતે બમ્પ બનાવામાં આવ્યા છે. આના પરિણામે રઘુવીર ચોકડી બેટમાં ફેરવાઈ ગઈ છે અને પાણીના નિકાલનો માર્ગ બંધ થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે આ રાજકીય વ્યક્તિના ઘર આગળ પણ તળાવ ભરાઈ ગયું છે. જોકે બમ્પ બનાવવા માટે મોટા ઉપાડે ફિશિયારી મારનાર આ વ્યક્તિની હાલત હવે ના કહેવાય – ના સહેવાય જેવી થઇ જતા હાંસીનું પાત્ર બન્યો છે.

પૂર્વમાં આવેલ રસ્તાઓના સમારકામ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા મટિરિયલ મોકલવામાં આવ્યું હતું પરંતુ પોતાનું ધાર્યું કરાવવામાં ઉસ્તાદ અને ધાર્યું ના થાય તો ત્રાગા કરનાર ભાજપના બની બેઠેલા હોદ્દેદારે આ મટિરિયલનો દુરુપયોગ કરી, મજૂરીને ડરાવી પોતાના ઘર આગળ ધરાર બમ્પ બનાવડાવ્યો હતો તેમજ ભાગ્યોદય સોસાયટીના દરવાજા પાસે પણ બે બમ્પ બનાવ્યા જેથી હવે પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યા ઉભી થઇ છે. આટલા બમ્પ ઓછા હોય તેમ એક ટ્યુશન ક્લાસના સંચાલકના નામે પણ બમ્પ બનાવવાની પેરવી કરી હતી પણ સફળ થયો નહોતો.

 

કલોલમાં પડેલા માવઠાને કારણે આ હોદ્દેદારને ચોમાસા પહેલા જ પોતાની ભૂલનું ભાન થઇ ગયું છે પણ કોઈને કહી શકાય તેવી સ્થિતિમાં નથી તેમ છતાં બધું થઇ જશેના વ્હેમમાં ફરે છે. માવઠાને કારણે રઘુવીર ચોકડી, રઘુવીર સોસાયટીના તમામ દરવાજા,ભાગ્યોદય આગળ જબરદસ્ત પાણી ભરાયા હતા. જેને પગલે લોકોની હાલાકી વધી નથી. હજુ તો ચોમાસુ બાકી છે. ચોમાસામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તો પૂર્વના હજારો નિર્દોષ નાગરિકોના ઘરમાં આ બેજવાબદાર બની બેઠેલા હોદ્દેદારના પાપે પાણી ભરાશે અને લાખો રૂપિયાનું નુકશાન થશે.

 

પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, પાણીનો નિકાલ ન થતાં મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી રહ્યું છે. લોકોના મતે આ સમસ્યાનું મૂળ કારણ રાજકીય દબાણ હેઠળ લેવાયેલા ખોટા નિર્ણયો છે. રહીશોએ તંત્ર પાસે આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે, જેથી ચોમાસા પહેલાં પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય. આ મામલે નગરપાલિકાએ પણ ધ્યાન આપવા જેવું છે નહીં તો શહેર સંગઠનના હોદ્દેદારની સાથે સાથે પાલિકાએ પણ લોકોના રોષનું ભોગ બનવું પડશે.

કલોલ સમાચાર