જાહેરમાર્ગો સાંકડા થઈ રહ્યા છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી…..
ગાંધીનગર જીલ્લાના કલોલમાં ઠેર ઠેર દબાણો વધી રહ્યા છે. જેના કારણે કલોલના જાહેરમાર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દબાણના કારણે રસ્તાઓ સાંકડા બની રહ્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.
કલોલના વિવિધ વિસ્તારોમાં દબાણ એટલી હદે વધ્યું છે કે રસ્તાઓ પણ સાંકડા થઈ રહ્યા છે. કલોલમાં આવેલ સ્ટેશન રોડ,પાંચ હાટડી બજાર, ટાવર ચોકથી પાંચ હાટડી બજાર તરફ જવાનો માર્ગ, રેલ્વે પૂર્વ વિસ્તાર, ખૂની બંગલા વિસ્તાર, તેમજ મટવા કૂવા પાસેના વિસ્તારોમાં ઠેર ઠેર દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં કલોલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણો હટાવવા માટે કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
થોડાક દિવસ અગાઉ ગેરકાયદેસર બાંધકામ કરેલ બે દુકાનોને તોડી પાડીને આત્મસંતોષ માનતી આ કલોલ નગરપાલિકાને અન્ય વિસ્તારમાં વધી રહેલ દબાણોને દૂર કરવામાં કોઈ પણ પ્રકારની ત્સ્તી લેવામાં આવી રહી નથી. મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય તોય નગરપાલિકા તેની ‘હોતી હે ચલતી હે’ નીતિ પર કાયમ જોવા મળી રહી છે.
નગરપાલિકાની રહેમ નજર હેઠળ વધી રહેલા દબાણ કલોલના જાહેરમાર્ગોને સાંકડા કરી રહ્યા છે. સ્ટેશન રોડ પર દબાણ એટલી હદે વધ્યું છે, કે વાહન ચાલકોને નીકળવામાં પણ ઘણી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. બે દુકાનો તોડીને આત્મસંતોષ માનતી નગરપાલિકા કલોલના અન્ય વિસ્તારોમાં વધી રહેલા દબાણોને હટાવવા માટે ત્વરિત પગલાં ભરે તે જરૂરી બન્યું છે.
દબાણ હટાવો ઝુંબેશ ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે, અન્યથા કલોલના જાહેર માર્ગો પગદંડીમાં કન્વર્ટ થઈ જાય તો નવાઈ નહીં. વધુમાં કલોલ નગરપાલિકા આળસ ખંખેરીને કલોલના વિકાસ અર્થે વધી રહેલા દબાણને દૂર કરાવે તેવી લોકમાંગ થઈ રહી છે.