કલોલના ભીમાસણ ગામમાં યુવાનની નિર્મમ હત્યા: પોલીસે તપાસ શરૂ કરી
કલોલ તાલુકાના ભીમાસણ ગામના ભરતજી પરબતજી ઠાકોરની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સાંતેજ પોલીસમાં નોંધાયો છે. 17 માર્ચે બપોરે ખાત્રજ ચોકડીએ પાર્સલ લેવા ગયેલા ભરતની લાશ શેરીસા ગામની સીમમાં કેનાલ પાસે મળી હતી. જેના પેટ, છાતી અને પીઠ પર ગંભીર ઇજાઓ હતી. પરિવારે શોક વ્યક્ત કર્યો હતો.
ભરતના ભાઈ સુનિલજી ઠાકોરે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે ભરતના બે-ત્રણ વર્ષ પહેલાં એક યુવતી સાથે પ્રેમસંબંધ અને લગ્ન થયા હતા, પરંતુ પત્ની બે વર્ષ બાદ ચાલી ગઈ હતી. ભરત ખાત્રજની અરવિંદ મિલમાં નોકરી કરતો હતો. 17 માર્ચે તે બાઇક પર નીકળ્યો અને પછી તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો. પરિવારે શોધખોળ કરી પરંતુ તે ન મળ્યો. સાંતેજ પોલીસે લાશ મળવાની જાણ કરતાં પરિવારે શેરીસા કેનાલ પાસે ભરતની ઓળખ કરી. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.