કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત
કલોલમાં રામબલરામ ફ્લેટથી બગીચા તેમજ નંદલાલ ચોકથી ટેકનીકલ સ્કુલ સુધીનો નવો બનાવેલો માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવા માંગણી થઇ છે. કલોલ નગરપાલિકાના આંખ આડા કાન અને કોન્ટ્રકટરના બોગસ કામને કારણે રોડ રસ્તા વારંવાર તૂટી જતા હોય છે જેને લઈને હવે શહેરની જનતામાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો છે.
કલોલ નગરપાલિકાના ચાર નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે રામબલરામ ફ્લેટથી બગીચા તેમજ નંદલાલ ચોકથી ટેકનીકલ સ્કુલ સુધીનો માર્ગ બેદરકારીપૂર્વક અને માપતોલ કર્યા વગર બનાવેલ છે. નગરસેવકોએ વાંધા તેમજ રજૂઆત કરી હોવા છતાં પગલા ભરવામાં આવતા નથી. આ રોડના નવીનીકરણ માટે કોન્ટ્રાકટરને કહેવામાં આવતા તેણે નનૈયો ભણ્યો હોવાનો નગરસેવકોએ આક્ષેપ કર્યો છે. જેથી આ રોડ બનાવનાર વીર કન્સ્ટ્રકશનને બ્લેક લિસ્ટ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.