કલોલની અલ અમન સોસાયટીમાં પાણીના ધાંધિયાથી રહીશો પરેશાન
કલોલ: કલોલ શહેરની અલ અમન સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ છે કે, છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકા દ્વારા દરરોજ માત્ર 30 મિનિટ જ પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, છેલ્લા 15 દિવસથી પાણીની પાઈપલાઈનમાં ગટરનું ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓમાં કલોલ નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે.
રહેવાસીઓનું કહેવું છે કે, આ સમસ્યાને લઈને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ગટરનું ગંદું પાણી આવવાથી આરોગ્યની સમસ્યાઓ ઉભી થવાનો ભય રહેવાસીઓએ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આની અસર વધુ થઈ શકે છે.
અલ અમન સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું, “અમે નગરપાલિકાને અનેકવાર આ સમસ્યાની જાણ કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. 30 મિનિટનો પાણીનો પુરવઠો પણ પૂરતો નથી, અને હવે ગટરનું પાણી આવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.”