આરસોડીયામાં આવેલ સિદ્ધરાજ હોમ્સના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
BY પ્રશાંત લેઊવા
કલોલના આરસોડિયા સોસાયટી વિસ્તારમાં આવેલ સિધ્ધરાજ હોમ્સમાં પાયાની સગવડ ના મળતા રહીશો રોષે ભરાયા છે. સિધ્ધરાજ હોમ્સના રહીશો છેલ્લા 8 થી 10 વર્ષથી વસવાટ કરે છે અને ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિતમાં પૂરતા પાણીની અને સફાઈ કામદારની સુવિધા આપવા માટે રજૂઆત કરે છે તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શક્યું નથી જેને લઈને સિધ્ધરાજ હોમ્સના રહીશો આરસોડિયા ગ્રામ પંચાયતમાં ફરીથી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સિધ્ધરાજ હોમ્સના રહીશોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ અમે તમામ પ્રકારનો વેરો જેમકે લાઈટ વેરો, પાણી વેરો, સફાઈ વેરો અને ગટર વેરો ભરીએ છીએ પરંતુ ગ્રામ પંચાયતે આમાંથી મોટાભાગની સુવિધાઓથી અમારા ફ્લેટને વંચિત રાખ્યો છે. તેમણે સફાઈવેરો ભરેલ હોવા છતાં આજ દિન સુધી પંચાયત તરફથી કોઈપણ સફાઈ કર્મી સફાઈ કરવા આવેલ નથી જેને કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થઈ શકે તેમ છે.
આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અને પેવર બ્લોક માટે પણ વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તેનો ઉકેલ આવી શક્યો નથી. તંત્ર દ્વારા આ મામલે ઝડપથી કાર્યવાહી કરાય તે ઇચ્છનીય બન્યું છે.