કલોલ હાઇવે પર કારની ટક્કરે રીક્ષા પલટી ખાઈ ગઈ, 5 ઈજાગ્રસ્ત
અમદાવાદ મહેસાણા હાઇવે પર બિલેશ્વરપુરા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં પાંચ ઘાયલ થયા છે જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામ નજીક અમદાવાદ મહેસાણા હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના રહેવાસી સુરેશભાઈ ચૌહાણ પોતાને રીક્ષામાં પરિવારને બેસાડીને જઈ રહ્યા હતા તે દરમિયાન બિલેશ્વરપુરા ગામ નજીક પાછળથી આવતી કારે રિક્ષાને ટક્કર મારી હતી જેને પગલે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા સુરેશભાઈ તેમના પત્ની તેમજ પરિવારના અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે તેમને કલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા . આ બાદ વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. કલોલ તાલુકા પોલીસે કાર ચાલક વિરોધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.