કલોલ : રોટરી ક્લબ ઓફ કલોલ દ્વારા મંગળવારના રોજ કલોલના પાંજરાપોળ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય સર્જવા માટે દરેક સભ્ય એક ઝાડ વાવે તે હેતુ સાથે કુલ 70 રોટેરીયન સભ્યો દ્વારા 70 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનું સફળ આયોજન ક્લબના પ્રમુખ રોટે. વિપૂલ એચ. પટેલ અને સચિવ રોટે. હાર્દિક એન. સોનીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ જૂનિયર તથા સિનિયર રોટેરીયન સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વિશેષ વાત એ રહી કે કાર્યક્રમ સ્થળ પાંજરાપોળમાં કુદરતી વાતાવરણ અને હરિયાળી વચ્ચે સૌએ પોતપોતાંના ઝાડ વાવીને આંદોલનરૂપ કાર્યમાં ભાગ લીધો હતો. ક્લબ તરફથી જણાવવામાં આવ્યું કે વાવેલા તમામ વૃક્ષોની નિયમિત દેખભાળ અને સંભાળ માટે પણ યોજના તૈયાર કરવામાં આવી છે.આ કાર્યક્રમ દ્વારા રોટરી કલબ ઓફ કલોલે સમાજમાં પર્યાવરણ જાગૃતિનો સકારાત્મક સંદેશ આપ્યો છે અને બધાને એક ઝાડ વાવવા માટે પ્રેરિત કર્યા છે.