કલોલમાં બંધ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો વધી, લોકો પરેશાન
કલોલ શહેરના અનેક વિસ્તારો સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે અંધારપટ છવાયો છે. જેને કારણે રહીશોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલ નગરપાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા બંધ લાઈટને લઈને કોઈ પગલા ભરવામાં આવતા નથી. કલોલ હાઈવે પર આવેલ ગુજરાત હાઉસિંગ સોસાયટી, રેલ્વે પૂર્વ વિસ્તાર, માર્કેટ યાર્ડ બ્રીજના છેડે અંધારાનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકો દ્વારા લાઈટ ચાલુ કરવા અનેક રજૂઆત કરવામાં આવી છે.
શહેરમાં ચોરી અને લુંટનું પ્રમાણ વધ્યું છે. આ સંજોગોમાં બંધ સ્ટ્રીટ લાઈટને કારણે રહીશો અને રાહદારીઓ બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. કલોલ નગરપાલિકાના અંધેરતંત્રને કારણે નિર્દોષ નાગરિકોને સહન કરવાનો વારો આવ્યો છે.