કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈ ચૂકેલ યુવાનનો આપઘાત

કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈ ચૂકેલ યુવાનનો આપઘાત

Share On

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ગયેલ યુવાને રામનગર પાસેથી પસાર થતી કેનાલમાં પડતું મૂક્યું……

કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને મોતને વહાલું કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈ ચૂકેલ યુવાને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા અને ગાયોના ટેકરા પાસે ભજીયાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા યુવકે એકા-એક આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. મોટા ઠાકોરવાસ માં રહેતા ઠાકોર વિનોદજી કાનાજીને ધંધામાં પૈસાની જરૂર પડતા બહારથી વ્યાજે ઉછીના પૈસા લીધા હતા.જે પૈસા થોડાક મહિનામાં જ વ્યાજ સહિત વ્યાજખોરો ને આપી દીધા હતા.તેમ છતાં વ્યાજખોરો દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને યુવાનને ધાકધમકીઓ પણ આપવામાં આવતી હતી.

આ વ્યાજખોરો આટલે થી ન અટકતા વિનોદના ઘરે જઈને તેના પરિવારને પણ ધમકાવતા હતા. આ સંપૂર્ણ ઘટનાઓથી ત્રસ્ત થઈ ચૂકેલ વિનોદજી દ્વારા ગત તારીખ 19 ના રોજ કોઈને કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. જેથી પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ કરવામાં આવી હોવા છતાં પણ વિનોદજી ની કોઈપણ પ્રકારની ભાળ મળી ન હતી.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ગયેલ આ યુવાનની લાશ ગઈકાલના રોજ કરણનગર પાસેથી પસાર થતી કેનાલમાં તરતી જોવા મળી હતી. વિનોદની લાશ જોઈને પરિવારજનોના પગ તળેથી જમીન પણ ખસી ગઈ હતી. બહિયલ તરવૈયાઓની મદદથી યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. તેમજ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

જૈનદેરાસર પાસે ભજીયાની લારી ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહેલ આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનો ગમગીન થઈ ચૂક્યા હતા. વિનોદે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખેલ હતી. જેમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોના નામ તેમજ વ્યાજખોરો પાસેથી લીધેલ કુલ રૂપિયા 4 લાખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિનોદે લખેલ સુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મહેરબાની કરીને હવે પછી તમે કોઈ પણ મારી ફેમિલીને હેરાન પરેશાન ન કરતા. બધા જ પૈસા આપી દીધા હોવા છતાં પણ આ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો દ્વારા વધુ પૈસા માગવામાં આવી રહ્યા હોવાની વાત વિનોદના પરિવાર દ્વારા કહેવામાં આવી રહી છે. આગળના સમયમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહેશે

કલોલ સમાચાર