કલોલના ધાનજ ગામમાં ડફેરોએ નીલગાયની હત્યા કરી હોવાની આશંકા, કલોલ રેન્જ ફોરેસ્ટ નિંદ્રાધીન
કલોલ: કલોલ તાલુકાના ધાનજ ગામના ગૌચરમાં એક નીલગાય મૃત હાલતમાં મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીલગાયનું મૃત્યુ ડફેરો દ્વારા ફાયરિંગને કારણે થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના એક જાગૃત યુવાને આ ઘટનાની જાણ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી અને નીલગાયના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે રજૂઆત કરી હતી.
ગામના રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ધાનજ ગામમાં અવારનવાર જીવહત્યાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ વન તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. સ્થાનિક લોકોમાં ચર્ચા જામી છે કે કલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસ આવી ઘટનાઓ સામે ગંભીરતાથી કાર્યવાહી કરશે કે કેમ. ગ્રામજનોએ વન વિભાગને નિદ્રામાંથી જગાડવાની માગ કરી છે અને આવી ઘટનાઓને અટકાવવા કડક પગલાં ભરવાની માંગણી કરી છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ભારતમાં વન્યજીવોના રક્ષણ માટે વન્યજીવ સુરક્ષા અધિનિયમ, 1972 છે. વન્યજીવોને શિકાર, ગેરકાયદેસર વેપાર અને નિવાસસ્થાનના નાશથી બચાવવા નિયમો ઘડવામાં આવ્યા છે.પ્રાણીઓ અને પક્ષીઓને શેડ્યૂલ I થી VI સુધી વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં શેડ્યૂલ I અને IIમાં સૌથી વધુ સુરક્ષિત પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં, નીલગાય 1972 ના વન્યજીવન સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ III હેઠળ સુરક્ષિત છે.