કલોલના માર્ગો પર બુલેટ ધડાકાનો આતંક, પીઆઈ દેસાઈની નબળી કામગીરીથી પોલીસ પ્રજા સામે લાચાર સાબિત !
કલોલ શહેરમાં ટ્રાફિક નિયમોની ધજ્જિયા ઉડાવી રહેલા બુલેટ બાઇક ચાલકોનો ત્રાસ હદ પાર કરી ચુક્યો છે. મોડિફાઇડ સાઇલેન્સર સાથે ધડાકા કરતા આ બુલેટ ચાલકો શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને ધ્વસ્ત કરી રહ્યા છે, અને પોલીસ માત્ર દ્રષ્ટા બનીને સમગ્ર ખેલ જોઈ રહી છે. પીઆઈ દેસાઈના નેતૃત્વ હેઠળની પોલીસ કામગીરી હાલ જનતાની સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
કલોલમાં મુખ્ય બજાર, કવિતા સર્કલ આસપાસ, વખારિયા સ્કૂલ, મહેન્દ્ર મિલ રોડ, રઘુવીર ચોકડી, રેલવે સ્ટેશન વિસ્તારમાં બુલેટ ચાલકો વિજદાર ગતિએ બાઇક દોડાવી ધડાકા કરતા અવાજ સાથે લોકોના કાન ફાડી નાખે છે. સ્કૂલ અને કોલેજો નજીક પણ આ બુલેટ માફિયા ફરતા જોવા મળે છે.
મહિલાઓ અને વડીલ નાગરિકો તો રસ્તા પર ચાલતા પણ ડરી જાય છે. એક તરફ વાહન ચેકિંગની વાતો થાય છે, બીજી તરફ પીઆઈ દેસાઈના નામે ચાલતી આખી ટીમ એવા બુલેટ ચાલકો સામે આંખ બંધ કરીને બેઠી છે. બુલેટ ચાલકો દ્વારા સાયલેન્સર મોડીફાય કરવામાં આવતા તેમાંથી મોટો અવાજ થાય છે. સાથે જ તેમાં વિશેષ સાધન મુકવામાં આવે તો ફટાકડા જેવો ધડાકો પણ થાય છે. આ ધડાકાના કારણે ધ્વનિ પ્રદુષણ થવાની સાથે લોકોમાં ડર પેંસવાનો પણ ભય રહેલો છે.
શહેરમાં બુલેટના અસહ્ય અવાજથી પ્રજાની શાંતિ છીનવાઈ ગઈ છે. વારંવાર ફરીયાદો કરવા છતાં ખાલી ઉચ્ચ અધિકારીઓને સંતોષ આપતી “કાગળ પરની કાર્યવાહી” સિવાય જમીન પર કોઇ ઝંઝાવાતી કાર્યવાહી પોલીસ દ્વારા જોવા મળતી નથી.