કલોલની ફૂટપાથો પર પાકી દુકાન ધરાવતા વેપારીઓનો કબજો,ગરીબ લારી પાથરણા વાળા ખોટા બદનામ થયા

કલોલ : કલોલ શહેરના મુખ્ય બજારો અને માર્ગો પરની ફૂટપાથો પર પાકી દુકાન ધરાવતા વેપારીઓએ ગેરકાયદેસર કબજો જમાવતાં સામાન્ય રાહદારીઓ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે.સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, જે ગરીબ લારી પાથરણા વાળા લોકો પાસે પોતાની જગ્યા નથી અને ફૂટપાથ પર વેપાર કરીને પોતાનું જીવનનિર્વાહ કરે છે, તે સમજી શકાય છે. પરંતુ જે વેપારીઓ પાસે પાક્કી દુકાનો છે, જેઓ સારી કમાણી કરે છે અને પોતાની દુકાનની અંદર માલ-સામાન મૂકવાની પૂરતી જગ્યા ધરાવે છે, તેવા મોટા વેપારીઓ દ્વારા પણ ફૂટપાથ પર પોતાનો માલ-સામાન મૂકીને કેમ કબજો કરવામાં આવી રહ્યો છે?
ફૂટપાથ પર ચાલીને જતા લોકોને રસ્તા પર આવવાની ફરજ પડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધે છે અને અકસ્માતનો ભય રહે છે. આ ગેરકાયદેસર દબાણ સામે કલોલ નગરપાલિકાની નિષ્ક્રિયતા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જો નિયમિતપણે પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
સ્થાનિકોની માંગ છે કે, પાલિકા તાત્કાલિક ધોરણે સર્વે કરીને એવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે જેમની પાસે પાકી દુકાનો હોવા છતાં ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરીને જાહેર માર્ગો અવરોધે છે. નગરપાલિકા દ્વારા આ દબાણકારો સામે ક્યારે અને કેવાં પગલાં લેવાય છે, તેના પર હવે સૌની નજર ટકેલી છે.
આરસોડીયા ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડીમાં આંતરિક વિખવાદને પગલે પ્રજાના કામો ટલ્લે ચડ્યા
