કલોલમાં પોરાનાશક કામગીરી કરતી ટીમ પ્રજાને રંઝાડતી હોવાની વ્યાપક ફરિયાદ
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેરમાં આરોગ્યતંત્ર દ્વારા પોરા નાશકની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કામગીરી કરતી ટીમ લોકોને હેરાન પરેશાન કરતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ ટીમ ખાનગી સ્થળોએ મિલકત માલિકોની પરવાનગી વગર અંદર ઘૂસી જાય છે અને તમારે ત્યાંથી મચ્છરના પોરા મળ્યા છે તેમ કહીને નોટિસ આપવાનું કહે છે અને લોકોમાં ભયનો માહોલ પેદા કરે છે.

આ સમગ્ર મામલે કલોલ ની આરોગ્ય કચેરી અંધારામાં છે ત્યારે પોરા નાશક કામગીરી કરતી ટીમ બેફામ બનીને લૂંટ ચલાવી રહી છે. આ ટીમમાં રહેલા કર્મચારીઓ પાસે કોઈપણ જાતનું આઈકાર્ડ પણ હોતું નથી અને તમારે ત્યાંથી પૂરા મળ્યા છે કહીને દમ મારતા હોવાની ફરિયાદ સામે આવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.
એક સાથે સાત થી આઠ લોકોની ટીમ ઘસી આવે છે અને પોરાની કામગીરીમાં લોકો પાસે તોડ પાણી પણ કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મચ્છરોના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ પોરા નાશકની કામગીરી કરતી ટીમ કામ કરવાના બદલે તોડ પાણીમાં જ રસ ધરાવતી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આરોગ્યતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
