ગુરુકુળમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને ગેસ ગળતરને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાઇ……..
કલોલ જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતર થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંપનીમાં થયેલ ગેસ ગળતરને લીધે જીઆઇડીસીની નજીક આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જે કારણે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગત શનિવારની મધ્ય સાંજે કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં કેમિકલ ગેસ લીકેજ થયાની ઘટના સામે આવી હતી. કંપનીમાંથી લીકેજ થયેલ કેમિકલ ગેસને કારણે સ્વામિનારાયણ ગુરુકુળની હોસ્ટેલમાં રહેતી ત્રણ વિધાર્થિનીઓ જેમના નામ (૧) પટેલ વિધીબેન ધર્મેશભાઈ, (૨)સાવડિયા વિધીબેન ઘનશ્યામ ભાઈ, અને (૩) પટેલ હાર્દિકા ગણપત ભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્ટેલના વોર્ડન દ્વારા તાત્કાલિક સારવાર અર્થે પીએસએમ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાની માહિતી મળેલ છે.
આ ગેસ ગળતરની ઘટના જીઆઇડીસીમાં આવેલ સહયોગ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી થઈ હોવાના આક્ષેપો ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભરતાને ધ્યાને લઇ કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમજ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓ દ્વારા રાત્રી દરમ્યાન કંપનીમાં પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આગળના સમયમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ ધારાસભ્ય દ્વારા પણ કડક પગલાં ભરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.