અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર 2024માં કુલ 256 અકસ્માત,15 મૃત્યુ
હાઇવે સિક્સલેન કરવા બાબતે ઉત્તર ગુજરાતના મંત્રીઓ,ધારાસભ્યો અને સાંસદો મૌન
કલોલ,શેરથા,છત્રાલ અકસ્માત ઝોન બન્યા
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો સ્ટેટ હાઇવે 41 એટલે કે અમદાવાદ મહેસાણા ટોલ રોડ છેલ્લા કેટલાય સમયથી જીવલેણ બની ગયો છે દિવસ દરમિયાન ઓછામાં ઓછા એક થી બે અકસ્માત અહીં નોંધાય છે.23 નવેમ્બર 2002ના રોજ ટોલ રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છેલ્લા વીસ વર્ષમાં વાહનોની સંખ્યા લાખોને પાર થઇ ગઈ હોવા છતાં આ હાઈવે ફોર લેન રહેતા અકસ્માતના બનાવમાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે.
અકસ્માતની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં ટોટલ 256 જેટલા અકસ્માત નોંધાયા છે અને 15 વ્યક્તિઓના મોત થયા છે. જાન્યુઆરી માસમાં 20, ફેબ્રુઆરીમાં 29, માર્ચમાં 16, એપ્રિલમાં 31, મે માં 20, જૂનમાં 28, જુલાઈમાં 19, ઓગસ્ટમાં 17, સપ્ટેમ્બરમાં 17, ઓક્ટોબરમાં 20, નવેમ્બરમાં 16 અને ડિસેમ્બરમાં કુલ 23 જેટલા નાના મોટા અકસ્માત નોંધાયા છે.

અમદાવાદ-મહેસાણા ટોલ રોડનો સૌથી વધુ હિસ્સો કલોલ તેમજ કડી અને મહેસાણાના ઔધોગિક વિસ્તારમાંથી પસાર થાય છે. ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન તરફ જતો આ હાઇવે વાહન વ્યવહાર માટે આશીર્વાદરૂપ છે. દૈનિક લાખો વાહન ટોલરોડ પરથી પસાર થતા હોય છે. હજારો એસટી બસ અને ભારે વાહનોની અહીથી રાત દિવસ અવરજવર છે.
આ ઉપરાંત આસપાસના અનેક ગામોને કલોલ, મહેસાણા,અમદાવાદ,કડી તેમજ પાલનપુર જેવા શહેરો સાથે આ હાઇવે જોડે છે. આ ઉપરાંત રાજસ્થાનના જોધપુર,બાડમેર,જે સલમેર અને આબુ રોડ તરફનો મોટાભાગનો વાહન વ્યવહાર આ હાઇવે મારફતે થાય છે. જોકે આટલા બધા વાહનોની અવરજવર હોવા છતાં વર્ષોથી સાંકડો ફોરલેન માર્ગ હોવાથી ઇફકો,સઇજ ઓવરબ્રિજ,ગુરુકુળ ત્રણ રસ્તા,વર્કશોપ,અંબિકાનગર તેમજ છત્રાલ અકસ્માત માટેના બ્લેક સ્પોટ બની ગયા છે.અવારનવાર અહી ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે.
રાજ્યમાં વીસ વર્ષ અગાઉ બનાવેલ અમદાવાદ-મહેસાણા ટોલ રોડ આજદિન સુધી ફોરલેન જ છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં બે વખત આ હાઇવેને સિક્સ લેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં સિક્સ લેન હાઇવે માટે હાઈબ્રિડ એન્યુઇટી મોડેલ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદ મહેસાણા ટોલ રોડ બન્યા પછી રાજ્યમાં ઘણા બધા હાઇવેનું નિર્માણ થયું. આ માર્ગો પણ પાછળથી સિક્સલેન બની ગયા પરંતુ અમદાવાદ મહેસાણા રાજ્ય ધોરીમાર્ગ 41 હજી ઠેરનો ઠેર રહ્યો છે. આજના દિવસે પણ આ માર્ગ પર ક્યાંક ને ક્યાંક ગાબડા પૂરવાની કામગીરી ચાલુ હોય છે. અત્યારે જી.આર.આઇ.સી.એલ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે પરંતુ ઢંગધડા વગરની કામગીરીને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાતના રાજકીય નેતાઓ પણ સદંતર મૌન હોય તેમ લાગી રહ્યું છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ દૈનિક ધોરણે આ માર્ગ પરથી પસાર થાય છે પરંતુ તેમણે પણ આ માર્ગને સિક્સલેનમાં રૂપાંતર કરવા માટેની કોઈ ઉગ્ર રજૂઆત કરી છે કે નહીં તે પણ સંશોધનનો વિષય છે.