કલોલમાં ટીપી સ્કીમ ખુલવાની શક્યતા, પ્રોપર્ટીની કિંમત વધશે

કલોલ શહેરમાં ટીપી નંબર ૭ ખુલવાની શક્યતાઓ વધી ગઈ છે. આ ટીપી ખુલતા જ કલોલના વિકાસને નવો દ્વાર મળશે. આ ટીપી પર રહેલું તમામ દબાણ હટાવી લેવામાં આવશે તેમજ અમુક દુકાનો તેમજ જગ્યાઓ કપાતમાં જવાની શકયતા પણ છે.
કલોલની ટીપી ૭માં બજાર વિસ્તાર,વર્ધમાન નગર અને રેલ્વે સ્ટેશન આવે છે. આ વિસ્તાર અતિ ગીચ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે. જોકે ટીપી આવતા રસ્તાઓ પહોળા થઇ જશે. આ ટીપીમાં દવાખાનું,શાળા,બગીચો,કોમ્યુનિટી હોલ સહીતની સુવિધાઓ મળશે. ટાઉન પ્લાનિંગ ખૂલવાથી લોકોની મિલકતના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.
ખૂની બંગલાથી બોરીસણા ગરનાળા સુધી રસ્તો પહોળો કરવાનું પણ આયોજન છે. હાલ કલોલમાં ઔડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં નગરપાલિકા દ્વારા પણ નાના મોટા દબાણ દુર કરવામાં આવ્યા છે જેથી ટીપી ૭ સૌથી પહેલા ખુલે તેવી શક્યતા છે.
આ ઉપરાંત કલોલમાં કલોલ,કલોલ-ઓળા, કલોલ-સઇજ-આરસોડીયા, કલોલ-સઇજ-બોરીસણા ટીપી પણ ખુલે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ ટીપી સ્કીમો ખુલતા જ જમીનો અને પ્રોપર્ટીના ભાવો આસમાને આંબવાના છે તે નક્કી છે.