ગ્રાહકોને જાણ કર્યા વગર બિલ્લી પગે વીજ કનેક્શન કાપતી UGVCLને હવે અચાનક કાઉન્સિલરોનો સહયોગ લેવાનું યાદ આવ્યું
કલોલની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પહેલા તો બિલ્લી પગે આવીને મીટરના કનેક્શન કાપવામાં આવતા હતા. મામૂલી રકમનું બિલ બાકી હોય તો પણ તેના કર્મચારીઓ દ્વારા મીટર કનેક્શન કાપવામાં આવતા હતા. આ કર્મચારીઓ પાસે કોઈ પણ જાતનો આઈકાર્ડ હોતું નથી અને ગ્રાહકોને નિયમો બતાવે છે. હવે ગ્રાહકોએ તેમને આઈકાર્ડ સહિતના સામે નિયમો બતાવવાનું ચાલુ કરતા તેમની ચાલચલગતમાં ફરક પડી ગયો છે. અત્યાર સુધી વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના મીટર કનેક્શન કર્મચારીઓ દ્વારા બિલ્લી પગે આવીને કોઈપણ જાતની જાણ કર્યા વગર કાપી જતા હતા પરંતુ હવે કલોલની યુજીવીસીએલ કચેરીના કર્મચારીઓને કલોલ નગરપાલિકાના નગરસેવકોના સહયોગ ની જરૂર પડી છે.

લોકોએ તેમને નિયમો બતાવતા હવે યુજીવીસીએલ દ્વારા નગર સેવકોને અપીલ કરવામાં આવી છે કે તમારા વિસ્તારમાં યુજીવીસીએલના કર્મચારીઓ બિલની ઉઘરાણી કરવા અથવા વીજ કનેક્શન કાપવા આવે ત્યારે સહયોગ આપવો. તો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી UGVCLને કેમ સહયોગ લેવાનું સુજ્યું નહોતું ? આ કર્મચારીઓને કોઈનો ડર છે ?આમ તો મોટા ઉપાડે લોકોના ઘરે અને દુકાનોના કનેક્શન કાપી આપવામાં માસ્ટર હતા પણ હવે લોકોએ આઈકાર્ડ માંગતા અને સામે નિયમો બતાવતા નગર સેવકોની મદદ લેવાનું યાદ આવ્યું છે.