લાઈબ્રેરીનું નામ યથાવત રાખવા વણકર યુવા સમિતિ મેદાને
કલોલના પૂર્વ વિસ્તારમાં તૈયાર થયેલ નવી લાઈબ્રેરીનું નામ યથાવત રાખવા વણકર યુવા સમિતિ મેદાને પડી છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિએ પાલિકા પ્રમુખને નામ બદલવાનું આવેદન અપાતા હવે વણકર યુવા સમિતિ જૂનું નામ રાખવા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી છે.
આ બાબતે સંસ્થાના પ્રમુખ નિલેશ આચાર્યે જણાવ્યું હતું કે અમારી સંસ્થા વણકર યુવા સમિતિ, કલોલ ઘણા વર્ષોથી કલોલ શહેરમાં સમાજને લગતા રચનાત્મક કાર્યક્રમો કરી રહી છે. તેના અનુસંધાને તા. ૫-૧૦-૨૦૧૬ના રોજ વણકર યુવા સમિતિ દ્વારા રેલ્વે પૂર્વ વિસ્તારમાં કોમ્યુનીટી હોલ તથા લાયબ્રેરી બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
જેના આધારે નગરપાલિકામાં તા. ૨૫ ૪-૨૦૧૮ ના રોજ લાયબ્રેરી બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ગાંધીનગર જિલ્લા આયોજન કચેરી દ્વારા લાયબ્રેરી બાંધવાની મંજુરી આપવામાં આવી હતી.
તા. ૦૯-૦૯-૨૦૨૦ ના રોજ નગરપાલિકા દ્વારા પૂર્વમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ઉપર ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે ભાજપના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ જેવી કે વણકર યુવા સમિતિ તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિના આગેવાનોની હાજરીમાં લાયબ્રેરીનું નામ જયોતિબા ફૂલે નામાંકરણ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. તેની નોંધ બીજા દિવસે તમામ સમાચાર પત્રોમાં છપાયી હતી.
પરંતુ હવે જયારે ૪૫,૦૦,૦૦૦/- લાખના ખર્ચે લાયબ્રેરી બની ગઇ છે અને કલોલ પૂર્વના નાગરીકોને અર્પણ કરવાની છે ત્યારે ડૉ. બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા આ લાયબ્રેરીનું નામ સાવિત્રીબેન કુલે રાખવું તેવી માંગણી કરવામાં આવી છે. તે તદ્દન ગેર વ્યાજબી છે.
કારણ કે જયારે આ લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ડૉ. બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિના આગેવાનો જે અત્યારે નામ બદલવાની માંગણી લઇને તમારી પાસે આવ્યા હતા. તે બધા આગેવાનો તે સમયે હાજર હતા અને તેઓએ પણ લાયબ્રેરીનું નામ જયોતિબા ફુલે પર સંમતી દર્શાવી હતી. તો પછી લાયબ્રેરી લોકાર્પણ વખતે નામાંકરણના મુદ્દે વિવાદ શું કામ તે ખબર પડતી નથી.
આજે સમાચાર પત્રોમાં આ બાબતે વાંચતા લોકોના મનમાં એક સવાલ ઉભો થયો છે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ રીતે નગરપાલિકાના પ્રમુખને ગેરમાર્ગે તો દોરવામાં તો આવ્યા નથી ને ?
અમારા માટે જયોતિબા ફુલે અને સાવિત્રીબાઇ ફુલે બંન્ને વંદનીય છે. અમને આ બંન્ને નામોમાંથી કોઇપણ નામ ઉપર આપત્તી નથી પણ જેનું પહેલા નામાંકરણ થઇ ગયું હોય તેને કેવી રીતે બદલી શકાય તે અપમાન સમાન ગણાય.જેથી આચાર્યે પાલિકા પ્રમુખને રજૂઆત કરતા જણાવ્યું હતું કે લાયબ્રેરીનું નામ ખાતમુહૂર્ત વખતે જયોતિબા ફુલે નામાંકરણ થઇ ગયું હતું તેને યથાવત રાખવામાં આવે.