કલોલમાં દિવ્યાંગ મહિલા અને પરિવાર પર હિંસક હુમલો કરાતા ફફડાટ
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા બે બહેનો સહિત ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૦૩/૦૧/૨૦૨૬ના રોજ સવારે આશરે ૦૯:૩૦ વાગ્યે કલોલના ઉસ્તાદપુરા વિસ્તારમાં રહેતા સરફરાજભાઈ લુહારની બહેન સલમાબેન ઘરની બહાર હતા. તે સમયે પાડોશમાં રહેતા સાહિલ સલીમભાઈએ ‘તું મને જોઈને કોગળા કેમ કરે છે’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. સલમાબેને પોતે દિવ્યાંગ હોવાથી દેખાતું નથી તેવી સ્પષ્ટતા કરી હોવા છતાં વિવાદ વકર્યો હતો.
જ્યારે ફરિયાદી સરફરાજભાઈ પોતાની બહેનને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપી સાહિલે ઘરમાંથી દાતરડું લાવી તેમના કપાળના ભાગે ઝીંકી દીધું હતું. આટલેથી ન અટકતા, આરોપી સાહિલના સાથીદારો યાકુબ હૈદરખાન પઠાણ, મોઈન સલીમભાઈ અને અન્ય શખ્સોએ લાકડાના ધોકા અને પથ્થરો વડે આખા પરિવાર પર હુમલો કર્યો હતો.
પોલીસ દ્વારા આ તમામ લોકો સાહિલ, યાકુબ, મોઈન, અનવરખાન, નિયાઝબાનુ અને રઝીયાબાનુ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
