કલોલમાં પાણી અને ગટરની પાઈપલાઈનનું કામકાજ શરુ કરાશે
કલોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. 62.20 કરોડના ખર્ચે તૈયાર થનારા 24 કિમી લાંબા કલોલ-નારદીપુર-માણસા રોડને ચાર માર્ગીય કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરી કામનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીએ એસ.ટી. વિભાગની નવી 25 બસ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરી સર્વિસની ગાંધીનગર કલોલ પાનસર રૂટની પાંચ નવી બસને લીલી ઝંડે દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ઉપરાંત કલોલનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસ્તાર ખાતેથી અમૃત યોજના 2.0 અંતર્ગત કલોલ નગરના વોર્ડ નંબર ચાર, પાંચ અને અગિયારમાં ભૂગર્ભ ગટરના રૂ. 37.95 કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને કલોલ નગરવાસીઓને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા.
કલોલ શહેરમાં રૂ. 100 કરોડથી વધુ રકમના 65 થી વધુ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું. હર્ષ સંઘવીએ કલોલ નગરના વિવિધ 64 સ્થળે નિર્માણ થનારા સીસી રોડ, પેવર બ્લોક, સ્ટોર્મ વોટર લાઈન તથા પાણીની પાઇપલાઇનના રૂ. 4.53 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કર્યા હતા. મંત્રીએ રૂ. 21 લાખના ખર્ચે નવનિર્મિત આરસોડિયા ગ્રામ પંચાયતના ભવનને લોકાર્પિત પણ કર્યું હતું.