ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે અને અમદાવાદ-ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે ડાયાલિસિસ સેન્ટરની શરુઆત કરાઈ છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં હાલ પાંચ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. કિડની સંબંધી બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30-40 કિમી ત્રિજ્યામાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાયો છે.
આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા કલોલ નગરપાલિકાને એક એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી હતી. જેનું લોકાર્પણ કરાયું હતું. બળદેવજી ઠાકોરે કલોલમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ ધુળાજી ઠાકોર, નગરપાલિકા વિરોધપક્ષના નેતા સાદુલખાન પઠાણ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
