કલોલમાં કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાનો બલદેવજી ઠાકોરનો આક્ષેપ
કલોલમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો પોત પોતાના વિસ્તારમાં જોરશોથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કલોલ કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એક વિડીયો જારી કરીને પોલીસ તેમજ ભાજપ વિરુદ્ધ સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે.
બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોને નિષ્ક્રિય થઈ જવા માટે પોલીસ દ્વારા ધમકી આપવામાં આવે છે, તેમને પોલીસ સ્ટેશનને બોલાવીને હેરાન કરવામાં આવે છે. કલોલના વેપારીઓ તેમજ બિલ્ડરોને પણ કોંગ્રેસને સમર્થન નહીં આપવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને બળદેવજી ઠાકોરે ઉપવાસ પર બેસવાનું એલાન પણ કરી દીધું છે.
કલોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી મુકાબલો રસપ્રદ બન્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને હાલ ગામેગામ સમર્થન મળી રહ્યું છે તેને કારણે ભાજપમાં ફફડાટ ફેલાયો છે. જેથી ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પોલીસને કામે લગાડવામાં આવી છે. પોલીસે 8 થી 10 જેટલા કોંગ્રેસના કાર્યકરોને નિષ્ક્રિય થઈ જવાનું કહ્યું હોવાનો આક્ષેપ ઠાકોરે કર્યો છે.
જેને કારણે હવે કલોલ પ્રાંત અધિકારીની કચેરી આગળ બળદેવજી ઠાકોરે પોતાનો ચૂંટણી પ્રચાર બાજુમાં કરીને ઉપવાસ પર બેસવાની જાહેરાત પણ કરી દેતા હડકંપ મચી ગયો છે. તેમણે પોતાના કાર્યકરોને પણ પ્રાંત અધિકારી ની ઓફિસે ઉમટી પડવા આહવાન કર્યું છે.બળદેવજી ઠાકોરે ચૂંટણી પંચ કેન્દ્ર અને ગુજરાત સરકારને સત્તાનો દુરુપયોગ કરવાનો બંધ કરવાની પણ અપીલ કરી હતી.
વિડીયો જોવા અહીં ક્લિક કરો : https://fb.watch/h2BotdFRy0/