વિધવા મહિલાઓ પાસેથી ૨૫૦ રૂપિયાની રાશન કીટના ૭૫૦ રૂપિયા વસૂલવામાં આવ્યા…..
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ અમૃતકુંજ સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ દીકરી કન્યાદાન યોજના ના નામે વિધવા મહિલાઓ પાસે થી ૭૫૦ રૂપિયા વસૂલી રાશન કીટ આપી રહ્યા હતા. અને આ રાશન કીટ કેટલીક વિધવા મહિલાઓ દ્વારા રૂપિયા ચૂકવી ને લેવામાં આવી હતી. જેની જાણ એક સામાજિક કાર્યકર ને થતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. તેમજ વિધવા મહિલાઓને આપવામાં આવેલી કરિયાણાની કીટ માત્ર ₹૨૫૦ ની હતી, પરંતુ વિધવા મહિલાઓ પાસે થી ૭૫૦ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જેથી છેતરપિંડી થઈ હોવાના એંધાણ આવતા સામાજિક કાર્યકરે કલોલ શહેર પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારના રોજ સાંજના સમયગાળા દરમિયાન કેટલાક વ્યક્તિ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ અમૃતકુંજ સોસાયટીમાં દીકરી કન્યાદાન યોજના ના નામે વિધવા મહિલાઓ પાસે છેતરપિંડી કરવા પહોંચ્યા હતા. જેમાં આ વ્યક્તિઓ દ્વારા વિધવા મહિલાઓ પાસેથી બેંકની પાસબુક, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ તેમજ રૂપિયા ૭૫૦ લઈ કરિયાણાની કીટ આપવામાં આવી હતી. આ વાતની જાણ એક સામાજિક કાર્યકર ને થતા તેમના દ્વારા સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં વિધવા મહિલાઓને આપવામાં આવેલ કીટ માત્ર ૨૫૦ રૂપિયાની હતી, પરંતુ તે કીટ ના ૭૫૦ રૂપિયા વસૂલી છેતરપીડી કરવામાં આવી હતી. જેની માહિતી સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય ને થતાં તેમના દ્વારા કલોલ શહેર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી.
આ છેતરપિંડી કરનાર ઈસમો દ્વારા વિધવા મહિલાઓને એક કાર્ડ આપવામાં આવ્યું હતુ. જે કાર્ડ વિધવા મહિલાઓ દ્વારા સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય ને આપતા નિલેશભાઈએ તે કાર્ડ પર આપેલ નંબર પર ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ફોન કરેલ નંબર પર યોગ્ય જવાબ ન મળતા છેતરપિંડી થઈ હોય તેવી સ્પષ્ટ માહિતી નો અંદાજો આવી જતા નિલેશભાઈ આચાર્ય દ્વારા કલોલ શહેર પોલીસ મથકમાં અન્ય વિધવા મહિલાઓ પણ આ પ્રકારે છેતરપિંડીનો ભોગ ન બને તે હેતુથી લેખિતમાં પોલીસને કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી હતી.