કલોલમાં રખડતા ઢોરોએ 16 વર્ષીય દીકરીને અડફેટે લીધી

કલોલમાં રખડતા ઢોરોએ 16 વર્ષીય દીકરીને અડફેટે લીધી

Share On

કલોલમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો હોવા છતાં નગરપાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોવામાં મસ્ત…..

કલોલમાં રખડતા ઢોરો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પ્રજાજનોને અડફેટમાં લેતા હોય છે. આજરોજ પણ રખડતા ઢોરોએ એક 16 વર્ષીય દીકરીને પોતાનો શિકાર બનાવી હતી. કાળ બનીને તૂટી પડેલ આ રખડતા ઢોરોએ દીકરીના ડાબા હાથને શિકાર બનાવતા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સમયગાળા દરમિયાન કલોલના જૈનવાડીની સામે આવેલ રોડ પર એકટીવા લઈને પસાર થતી તૃપ્તિ મિશ્રા (ઊં.વ ૧૬) ને રખડતા ઢોરોએ અડફેટે લીધી હતી. જેમાં દીકરીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ થયેલ તૃપ્તિને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રખડતા ઢોરોએ બાળકીના ડાબા હાથને નિશાન બનાવતા તૃપ્તિના ડાબા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

કલોલમાં રખડતા ઢોરોનો આતંક એટલી હદ સુધી વધી ગયો છે કે અવારનવાર રખડતા ઢોર હિંસાત્મક બની જઈ લોકો પર હુમલો કરી બેસતા હોય છે. વારંવાર ઘટનાઓ બનતી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી નથી. વધુમાં ઢોર પકડની કામગીરી નિયમિત થતી હોવાની પોકળ વાતો કરતી કલોલ નગરપાલિકાના વિસ્તારમાં જ છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરો બેફામ બન્યા છે. રખડતા ઢોરને અંકુશમાં લેવાને બદલે કલોલ નગરપાલિકા દ્વારા ઢાંક પીછોળો કરવાના કામ કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી લોકોને શિકાર બનાવી રહેલા રખડતા ઢોરોને પિંજરે પુરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. તેમજ આ ઘટનાને પગલે લોકો દ્વારા કલોલ નગરપાલિકાને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. માત્ર તકતીઓ પાસે ઊભા રહીને ફોટો પડાવીને આત્મસંતોષ માણતા કલોલ નગરપાલિકાના સત્તાધીશોને ઢોર પકડવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લોકો જણાવી રહ્યા છે.

કલોલ સમાચાર