કલોલ પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ વાલ્મિકી વસાહત,માધુપુરા રોડ,ડૉ.બાબાસાહેબ આંબેડકર આરોગ્ય સંકુલ,ચંદ્રલોક સોસાયટી,પ્લોટ વિસ્તાર,મજુર હાઉસિંગ સોસાયટી તેમજ છાપરા વિસ્તારમાં કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે. જેને લીધે જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતું હોય છે.
ગટરના પ્રદુષિત પાણીને કારણે સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. પ્રદુષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળે ત્યારે પાલિકા જાગશે કે શું તેવી ચર્ચા થઇ રહી છે. ગટરો ખુલ્લી હોવાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે. જેથી વોર્ડ નંબર ૧૧ના નગરસેવકની આગેવાનીમાં ટોળું નગરપાલિકામાં હલ્લાબોલ કરવા પહોંચ્યું હતું. સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને ખુલ્લી ગટરો ઢાંકવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.