કલોલ પૂર્વમાં શહીદોના નામે વિનામૂલ્યે છોડ અને ટ્રી ગાર્ડનું વિતરણ કરી વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું
કલોલ પૂર્વ વિસ્તારમાં ઔડાના સહકારથી વિનામુલ્યે લોખંડના ટ્રી ગાર્ડ મેળવીને શહીદોના નામે જન જાગૃતિ કેળવણી મંડળ દ્વારા છોડ સાથે વહેંચણી કરવામાં આવી. મંડળના પ્રમુખ ર્ડા.એચ.કે.સોલંકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આરંભે જ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી અભિયાન શરૂ કરી દીધું હતું .
કેશવનગર સોસાયટીના ગૌતમભાઈ પરમારે વિનામૂલ્યે છોડ લાવી આપ્યા હતા . કલોલ પૂર્વ વિસ્તારમાં જરૂરિયાત મુજબ ગુલમહોર , જાંબુ ,જામફળ , દાડમ , ગુલાબ અને સરગવો વગેરેના છોડ અને લોખંડના ટ્રી ગાર્ડ વિનામૂલ્યે આપ્યા હતા. ‘ શહીદોના બલિદાનથી દેશ થયો આઝાદ , શ્રદ્ધાંજલિ રૂપે વાવીએ એક એક ઝાડ ‘એ અભિયાન ચલાવીને આ વર્ષે 76 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુધીમાં ચાર તબક્કામાં દરેક તબક્કે 76 વૃક્ષો મળીને 304 વૃક્ષો વાવી એનું જતન અને રક્ષણ કરવાના સંકલ્પ લીધા હતા .
આ પ્રસંગે હસુભાઈ પરમાર અને કમલેશ પરમાર તથા પ્રવીણભાઈ અને નટુભાઈ તેમજ અમૃતભાઈ તથા ઉત્સાહી બહેનોએ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શહીદોના નામે એક એક વૃક્ષ વાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મારુ કલોલ હરિયાળું કલોલ અભિયાન ચલાવી વૃક્ષારોપણનું મહાપર્વ ઉજવવા ર્ડા .સોલંકીએ યુવાનોને આહવાન કર્યું હતું.