કલોલ ફાયર સ્ટેશનનો બંધ નંબર ચાલુ કરવામાં બીએસએનએલના ઠાગાથૈયા
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેરમાં બીએસએનએલનું તંત્ર ખાડે ગયું છે. કલોલમાં સામાન્ય માણસ તો ઠીક પરંતુ કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશનનો ટેલીફોન નંબર છેલ્લા કેટલાય સમયથી બંધ હોવા છતાં તેને ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
ફાયર સ્ટેશન એક ઈમરજન્સી સેવા હોવાથી તેનો નંબર સતત ચાલુ રહે તે જરૂરી છે. આ નંબર બંધ હોવાથી આગ લાગવાના કિસ્સામાં શહેરીજનો ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકતા નથી જેને પગલે જાનમાલનો મોટું નુકસાન થતું હોય છે.
કલોલ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશનનો નંબર ચાલુ કરવા માટે બીએસએનએલ ઓફિસમાં અનેક વખત અરજીઓ કરવામાં આવી છે. આમ છતાં સેવાઓ ચાલુ કરવામાં બીએસએનએલ દ્વારા આળસ રાખવામાં આવે છે, જેને પગલે ભવિષ્યમાં આગજની જેવી દુર્ઘટના સર્જાય તો મોટું નુકસાન થવાની ભીતી પણ રહેલી છે.