કલોલનાં બિલ્ડર પર જમાઈની હત્યા બદલ ફરિયાદ નોંધાઇ
BY પ્રશાંત લેઉવા
કલોલ ના બિલ્ડર રૂપાજી પ્રજાપતિ પર તેમના જમાઈની હત્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે રૂપાજીનું રાજકીય કનેક્શન મજબૂત હોવાથી તેઓ બચી જશે તેવી લોકોમાં ચર્ચા જામી છે. બીજી તરફ રૂપાજીના ફાર્મ હાઉસ પર ગયેલા પત્રકારને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હોવાની વિગત પણ સામે આવી છે. આ સંજોગોમાં પોલીસ કંઈક ભીનું સંકેલી રહી છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિની દીકરીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા ભાવેશ પ્રજાપતિ સાથે થયા હતા અને આ બંને પતિ પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા હતા.
ઓસ્ટ્રેલિયામાં ઉર્મિલાનું બે મહિના પહેલા મોત નિપજ્યું હતું તે વખતે રૂપાજી ત્યાં ગયા હતા અને દીકરીની અંતિમ ક્રિયા કરી તે વખતે તેમનો જમાઈ પણ તેમની સાથે હતો અને તેઓ બંને સાથે ઇન્ડિયા આવ્યા હતા. દીકરી અને જમાઈને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેઓએ જમાઈ ભાવેશ અને તેના ભાઈ સતીશના નામે કેટલીક મિલકતો કરી હતી અને દીકરીના મરણ ગયા બાદ આ મિલકતો ફરીથી રૂપાજીનાં નામે કરવા માટે તેઓએ બંનેને બોલાવ્યા હતા.
તેઓ તેમના પિતા સાથે પહોંચ્યા હતા ત્યારે દગાથી બંને ભાઈઓને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં અગાઉથી હાજર માણસોએ અને રૂપાજીએ ભેગા મળીને બંને ભાઈઓને ધોકાઓ અને લાકડીઓ વડે માર માર્યો હતો અને માર માર તો વિડીયો કોલ તેમની પત્નીને કરીને બતાવીને કહેલ કે આજે આપણી દીકરીના મોતનો બદલો લઈ લીધો છે. ત્યારબાદ બંનેને હોસ્પિટલમાં છોડી દેવામાં આવ્યા હતા. ત્યાંથી પરિવારજનો સારવાર માટે લઈ ગયો હતો અને તેમાં ભાવેશનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે રુપાજી,જિમી સહિતના 7 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.
કલોલનાં બિલ્ડર રૂપાજી પ્રજાપતિ પર હત્યાનો આરોપ લાગ્યો છે. મૃતકના પિતા આક્ષેપ કર્યો હતો કે મારા દીકરાને રૂપાજી બિલ્ડર તેમના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા હતા અને હત્યા કરી હતી જ્યારે બીજો દીકરો સિરિયસ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતા કલોલની શ્રદ્ધા હોસ્પિટલ આગળ લોકોના ટોળા ઉમટ્યા હતા. ભાવેશ પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે સતીશ પ્રજાપતિ ગંભીર રીતે ઘાયલ હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ઝીણવટથી તપાસ હાથ ધરી રહી છે.