નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલની સાફ વાત : લારીઓ વાળાને વૈકલ્પિક જગ્યા મળશે, રોડ પર નહીં જ ઉભા રહેવા દેવાય
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેરમાં કોર્ટ આગળ અકસ્માત સર્જાયાની ઘટના બાદ નગરપાલિકા જાગી છે અને શહેરભરમાં રોડ રસ્તા પર લારી પાથરણા પાથરીને વેપાર કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કડક હાથે કામગીરી હાથ ધરી છે.

નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી લારીઓ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે જેને પગલે રોષ ફેલાયો છે. હજારો પરિવારોનું જીવન નિર્વાહનું સાધન છીનવાઈ ગયું છે જેને પગલે કલોલ નગરપાલિકામાં લારી પાથરણા વાળા વિરોધ નોંધાવવા આવ્યા હતા. કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલે લારી વાળાઓને વૈકલ્પિક જગ્યા આપવા માટેની સહમતી દર્શાવી હતી. જો કે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે રોડ રસ્તા પર લારીઓ ઉભી રાખવા દેવામાં આવશે નહીં.
કલોલ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા પરથી લારીઓ દૂર કરવામાં આવતા ટ્રાફિકનો પ્રશ્ન અંશતઃ હળવો થયો છે પરંતુ પોલીસ તંત્ર હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું નથી. શહેરભરના રસ્તાઓ પર વાહન ચાલકો બેફામ રીતે રોડ વચ્ચે જ પોતાનું વાહન પાર્ક કરતા હોય છે પરંતુ પોલીસ તંત્ર આંખ આડા કાન કરીને તેમને છાવરી રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
કલોલ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પોલીસ હસ્તક છે. શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં છડે ચોક લક્ઝરી બસો અને ટ્રકોની અવર જવર થતી હોય છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ મામલે હાથ પર હાથ ધરી બેસી રહ્યા સિવાય કોઈ કામ જ નથી તેવું પ્રતિતથઈ રહ્યું છે.
