કલોલના સિંદબાદ બ્રિજ નીચે દબાણ દૂર કરવા ફેન્સિંગ લગાવાઈ
કલોલ : કલોલના સિંદબાદ બ્રિજ નીચે ટોલ ઓથોરિટી દ્વારા તારની ફેન્સિંગ લગાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી તારની ફેન્સિંગ લગાવવામાં આવી રહી છે. કલોલના સિંદબાદ બ્રિજ નીચે ગેરકાયદે વાહન પાર્કિંગ અને લારી-પાથરણાવાળા દ્વારા અડિંગો જમાવવામાં આવતા ટોલ ઓથોરિટી દ્વારા ફેન્સિંગ લગાવવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય બાદ છેલ્લા કેટલાક દિવસથી બ્રિજની નીચે રહેલી ખુલ્લી જગ્યામાં ફેન્સિંગ લગાવવામાં આવી રહ્યું છે. આ કારણે નીચે વાહનો પાર્ક કરનારા તેમજ લારી-પાથરણાવાળા વેપાર કરી શકશે નહીં. બ્રિજ નીચે દબાણ કરનારાઓને અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં તેઓ ખસવાનું નામ લેતા નહોતા જેને પગલે ફેન્સિંગ લગાવી દેવાઈ છે.
