પોલીસ ભરતી પરીક્ષામાં નકલી કોલ લેટર લઈને દોડવા આવેલ કલોલનો યુવક ઝડપાયો
મહેસાણા : પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો નકલી કોલલેટર લઈને દોડની પરીક્ષા આપનાર કલોલમાં યુવકને મહેસાણા પોલીસે ઝડપી લીધો હતો. રાજ્યમાં અત્યારે પોલીસ લોકરક્ષક અને પીએસઆઇની ભરતી પરીક્ષાની શારીરિક કસોટી ચાલી રહી છે. 22 જાન્યુઆરીના રોજ મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિવિધ ઉમેદવારોની શારીરિક પરીક્ષા ચાલી રહી હતી ત્યારે એક ઉમેદવારને ચેસ્ટ નંબર પહેરાવીને ખાનગી એજન્સીના કર્મચારી દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કાઉન્ટર ઉપર મોકલ્યો હતો. જોકે અહીં કર્મચારી દ્વારા તેનું રજીસ્ટ્રેશન કરતા તેમાં ઉમેદવારનો રજીસ્ટ્રેશન અગાઉથી જ થઈ ગયું હોવાનું ઘટસ્ફોટ થયો હતો.
આ ઘટનાને પગલે ડીવાયએસપીને જાણ કરવામાં આવતા ફરીથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમાં પણ રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાનું વાત સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા ઉમેદવારના કોલ લેટરની તપાસ હાથ ધરતા તેમાં દીપ કુમાર દિનેશભાઈ પરમાર રહે. સાંઈકૃપા સોસાયટી રેલવે પૂર્વ,કલોલ નામ હતું. આથી ગ્રાઉન્ડ ઇન્ચાર્જ પાસે કોલેટરની ચકાસણી કરાવતા માલુમ પડ્યું હતું કે આ બેઠક ક્રમાંકનો સાચો ઉમેદવાર ચિરાગકુમાર ધુળાજી ઠાકોર છે. જેથી ડીવાયએસપી દ્વારા ઉમેદવારનો કોલલેટર ભરતી બોર્ડ ગાંધીનગર મોકલવામાં આવતા ચિરાગ ઠાકોર નામના ઉમેદવારનો ખોટો કોલ લેટર બનાવીને દીપ પરમાર શારીરિક પરીક્ષા આપવા આવ્યો હોવાનું કન્ફર્મ થયું હતું.
આ મામલે પોલીસે દીપ પરમારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ગુગલ ક્રોમમાં જઈને મિત્રના કોલલેટરની પીડીએફ એડિટ કરીને પોતાનું નામ લખીને પ્રિન્ટ કાઢી લીધી હતી.જેને પગલે મહેસાણા પોલીસે ખોટો કોલ લેટર બનાવી પરીક્ષા આપવા આવેલા દીપ પરમાર સામે મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.