કલોલના પાંચ હાટડી વિસ્તારનાં ગરબી ચોકમાં જર્જરિત મકાન તૂટી પડતા ભય
BY પ્રશાંત લેઉવા
કલોલ
કલોલમાં એક મકાન પડી ગયું હતું. મોડી રાત્રે મકાન તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ કલોલ તાલુકાના શેરીસા ગામમાં આવેલા પરમાર વાસમાં પણ એક જૂનું મકાન તૂટી ગયું હતું. કલોલનાં પાંચ હાટડી બજાર પાસે આવેલા ગરબી ચોક ખાતે મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું.આ વિસ્તારમાં અન્ય કેટલાક મકાનો પણ ભયજનક સ્થિતિમાં હોવાથી તેને દૂર કરવાની માંગ ઉઠી છે.
કલોલના પાંચ હાટડી બજાર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ વાગ્યે એક જર્જરિત મકાન ધડાકા સાથે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દુર્ઘટનાને કારણે આસપાસ વસવાટ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરનો આ વિસ્તાર જૂનું કલોલ ગણાય છે. અહીં ઘણી મોટી સંખ્યામાં ભયજનક મકાનો આવેલા છે. અગાઉ પણ પાંચ હાટડી બજાર અને જુના ચોરા પાસે જુના મકાનો તૂટી પડવાની ઘટના સામે આવી છે તેમ છતાં તંત્ર કોઈ ધડો લેતું નથી.
સ્ટેશન અને નવજીવન રોડ ખાતે પણ જર્જરિત મકાનો
કલોલ શહેરના નવજીવન રોડ અને સ્ટેશન રોડ પર અનેક જર્જરિત ભયજનક મકાનો આવેલા છે.નવજીવન રોડ પર બજાર વચ્ચે રહેલા મકાનની હાલત જર્જરિત થઈ ગઈ છે. નવજીવન મિલ રોડ પર જૂની શાક માર્કેટ છે તેની ઉપર ભયજનક મકાન હોવાથી લોકો પસાર થતા ડર અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા આ તમામ મકાનોને નોટિસ આપીને ઝડપથી ઉતારી લેવામાં આવે તેવી માંગ થઈ છે.
શેરીસામાં પણ જૂનું મકાન ધરાશયી થયું
ભારે વરસાદને પગલે કલોલ તાલુકા વિસ્તારમાં પણ તારાજી સર્જાય છે કલોલ પાસે આવેલા શેરીસા ગામમાં રહેલા પરમાર વાસ માં એક જૂનું પુરાણું મકાન તૂટી પડ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાની નહીં નોંધાતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.