કલોલમાં ઉતરાયણપર્વ નિમિત્તે બે કોથળા ભરીને રસ્તા પર પડેલ દોરી એકત્ર કરવામાં આવી

કલોલમાં ઉતરાયણપર્વ નિમિત્તે બે કોથળા ભરીને રસ્તા પર પડેલ દોરી એકત્ર કરવામાં આવી

Share On

ઉતરાયણપર્વના બે દિવસ દરમિયાન રસ્તા પર પડેલ દોરીને સામાજિક કાર્યકર દ્વારા એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો…..

ઉતરાયણ નો તહેવાર સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવારને એક સરખો ન્યાય આપવામાં હંમેશા આગળ રહેતા હોય છે. ગુજરાતીઓનો અત્યંત લોકપ્રિય તહેવાર ઉતરાયણ કંઈક અલગ જ વિશેષતા ધરાવે છે. નાનાથી લઈને મોટા વયોવૃદ્ધ સુધીના લોકોને આ તહેવાર અત્યંત પ્રિય છે.

કલોલમાં ઉતરાયણ પર્વ નિમિત્તે સામાજિક તેમજ જીવદયા પ્રેમી એવા અશોકસિંહ છાબડા દ્વારા કંઈક અલગ જ અંદાજમાં આ તહેવારને ઉજવવામાં આવતો હોય છે. ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણ એમ બે દિવસ દરમિયાન અશોકસિંહ છાબડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તા, રહેણાક વિસ્તાર, તેમજ ઝાડ પર લટકતી દોરી એકત્ર કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

પતંગની ઘાતકી દોરી કોઈપણ અબોલ પશુ તેમજ માનવ માટે ઘાતકી સાબિત થાય તે પહેલા જ અશોકસિંહ છાબડા દ્વારા ઉતરાયણના બે દિવસ દરમિયાન પોતાની મોટર સાઇકલ પર સવાર થી લઈને સાંજ સુધી રહેણાંક વિસ્તાર, ઝાડ પર લટકતી, અને રોડ રસ્તા પર પડેલી પતંગની દોરી એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં અશોકસિંહ છાબડા દ્વારા ઉતરાણપર્વ ના થોડાક દિવસ અગાઉ લોકોને હાથ જોડીને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પણ સમજાવવામાં આવ્યા હતા.

આદર્શ જીવદયા પ્રેમી તેમજ સામાજિક કાર્યકર એવા અશોકસિંહ છાબડાએ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની પદવી હાંસલ કરેલી છે.આ સામાજિક કાર્યકર હર હંમેશ પ્રજાની સેવા કરવામાં અગ્રેસર રહેતા હોય છે. ઉતરાયણપર્વના બે દિવસ પોતાની મોટર સાયકલ પર ફરી અશોકસિંહ છાબડા દ્વારા બે કોથળા ભરાય તેટલી રોડ રસ્તા પર પડેલ દોરી એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.

કલોલ સમાચાર