કિશોર પર હુમલો કરાયો
કલોલ પૂર્વમાં આવેલ ઓએનજીસી રોડ પર રસ્તા વચ્ચેથી ગાયો ઉઠાડવા મુદ્દે એક કિશોર પર હુમલો કરવામાં આવકતા ચકચાર મચી ગઈ છે. ઓએનજીસી રોડ પર ગાયોનો ખુબ જ ત્રાસ છે અને રોડ વચ્ચે જ બેસી રહેતી હોય છે જેને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પડકવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પૂર્વમાં રહેતા ધનજીભાઈ પરમારનો પૌત્ર ટ્યુશન જઈને ઘરે પરત ફરતો હતો. ત્યારે તેણે ઘનશ્યામનગર સોસાયટી આગળ રોડ પર અડિંગો જમાવીને બેસેલ ગાયોને ઉઠાડી હતી. જેને કારણે ત્યાં રહેલ જૈમિન રબારીએ અહીંથી ગાયો કેમ ઉભી કરી તેમ કહી ગાળો ભાંડી હતી. તેમજ જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. આ બાદ જૈમીને રાત્રે કિશોરને વૈભવ પાર્ક પાસે બોલાવ્યો હતો અને તેને બાઈક પર બેસાડી પૂર્વમાં આવેલ સ્મશાન પાસે લઇ ગયા હતા.
અહીં અગાઉથી હાજર રહેલ જીગર રબારી,સંજય રબારી,લાલજી રબારી તેમજ ગોવિંદ જાડેજાએ કિશોરને ધોકા અને લાકડી વચ્ચે અસહ્ય માર માર્યો હતો જેથી કિશોર બેભાન થઇ ગયો હતો. જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાદ ધનજીભાઈની ફરિયાદને આધારે ઉપરોક્ત તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.