
એક જ રાતમાં બે ગાડીઓની ઉઠાંતરી
કલોલમાં ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો છે. એક જ રાતમાં બે ઇકો કારની ચોરી થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શિયાળામાં પોલીસ પણ નિંદ્રામાં હોઈ તેમ દેખાઈ રહ્યું છે. ગઈકાલે ભરકાદેવી પાર્લર ધરાવતા વ્યક્તિની ઇકો ચોરાયા બાદ હવે બીજી ઇકો ચોરાવાનો ઘટના સામે આવી છે. પોલીસની પક્કડથી દૂર રહેલા ચોરો કલોલમાં બેફામ થઈને ફરી રહ્યા છે તેમજ તરખાટ મચાવી રહ્યા છે.

કલોલની બંસીધર સોસાયટીમાં રહેતા રાહુલકુમાર ઠાકોરની ઇકો ગાડી ચોરાતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો અનુસાર રાત્રે તેઓ નોકરીમાંથી ઘરે પરત આવીને ગાડી રોડસાઈડમાં પાર્ક કરી હતી. સવારે ઉઠીને જોતા ગાડી ગાયબ હતી. જેને કારણે તેઓએ આસપાસમાં તપાસ હાથ ધરી હતી પણ કોઈ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ બાદ રાહુલકુમારે કલોલ પોલીસ સ્ટેશનમાં 1.60 લાખની ઇકો ગાડી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક બનાવમાં કલોલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા રામેશ્વરગીરી શિવ ગીરી ગોસ્વામી પાયગા સ્કુલની સામે ચાલી ભરત ભાઈ ના મકાન માં છેલ્લા આઠ વર્ષથી ભાડે રહે છે અને નવજીવન શોપિંગ સેન્ટરમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે તેઓ ગાડી લઈને દુકાન ગયા હતા, તેમજ રાત્રે સાડા અગિયાર વાગ્યે પરત ફર્યા હતા. આ બાદ તેઓ રાત્રે પોતાના ઘર આગળ ઇકો ગાડી પાર્ક કરીને સુઈ ગયા હતા.

જોકે સવારે તેઓએ ઉઠીને જોતા ગાડી જ ગાયબ હતી . જેથી તેઓએ આસપાસ પાડોશીઓ તેમજ દુકાનોવાળાને પુછપરછ તેમજ શોધખોળ આદરી હતી પરંતુ તે મળી આવેલ નહોતી. આ કારણે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેઓએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગાડી ચોરી જવા બાબતે ફરિયાદ નોંધાવી છે. આમ કલોલમાં એક રાત દરમિયાન બે ઇકો ગાડી ચોરાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે.

