હથિયાર લાયસન્સની વિગતો આપવા બાબતે ગાંધીનગર કલેક્ટર કચેરીનું ભેદી મૌન,કલેક્ટર કચેરીએ પ્રાઈવસીનું બહાનું ધરી માહિતી છુપાવી

હથિયાર લાયસન્સની વિગતો આપવા બાબતે ગાંધીનગર કલેક્ટર કચેરીનું ભેદી મૌન,કલેક્ટર કચેરીએ પ્રાઈવસીનું બહાનું ધરી માહિતી છુપાવી

Share On

હથિયાર લાયસન્સની વિગતો આપવા બાબતે ગાંધીનગર કલેક્ટર કચેરીનું ભેદી મૌન

Report : Prashant Leuva 

ગાંધીનગર જિલ્લામાં હથિયાર લાયસન્સ ફાળવવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવેલી એક મહત્વની RTI અરજીને કલેક્ટર કચેરી દ્વારા ધરાર ફગાવી દેવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કેટલા નવા હથિયાર લાયસન્સ મંજૂર કરવામાં આવ્યા અને તે પૈકી કેટલા કિસ્સામાં પોલીસનો નકારાત્મક અભિપ્રાય હોવા છતાં લાયસન્સ ફાળવાયા છે, તેવી સંવેદનશીલ માહિતી આપવાનો કચેરીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કચેરી પાસે જિલ્લામાં મંજૂર થયેલા લાયસન્સની સંખ્યા, નામંજૂર થયેલી અરજીઓના કારણો અને જે લાયસન્સ ધારકો સામે ફોજદારી ગુના નોંધાયા હોય તેમની સામે થયેલી કાર્યવાહીનો રેકોર્ડ માંગવામાં આવ્યો હતો. જોકે, ગાંધીનગર કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારીએ આ તમામ વિગતોને ‘અંગત માહિતી’ ગણાવીને માહિતી અધિકાર અધિનિયમની કલમ ૮(૧)(જ) હેઠળ અરજી નામંજૂર કરી છે.

સામાન્ય રીતે હથિયાર જેવા ગંભીર વિષયમાં તંત્ર કોને પરવાનગી આપી રહ્યું છે તે જાણવાનો હક જનતાને હોય છે, ખાસ કરીને જ્યારે પોલીસના નકારાત્મક અભિપ્રાય છતાં લાયસન્સ મંજૂર કરવામાં આવતા હોવાની આશંકા હોય ત્યારે તંત્રનું આવું વલણ અનેક સવાલો ઊભા કરે છે. નવાઈની વાત તો એ છે કે, કચેરીએ વ્યક્તિગત વિગતો તો ઠીક, પરંતુ જિલ્લામાં કુલ કેટલા લાયસન્સ અપાયા છે તેવા આંકડાકીય ડેટા આપવાની પણ તસ્દી લીધી નથી.

 

આરટીઆઈ નિષ્ણાતોના મતે, વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોની નકલો અને આંકડાકીય માહિતી ક્યારેય વ્યક્તિગત હોતી નથી. તંત્ર દ્વારા માહિતી છુપાવવાના આ પ્રયાસ સામે હવે પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી છે. આ અહેવાલ બાદ હવે એ જોવાનું રહેશે કે અપીલ સત્તાધિકારી આ મામલે પારદર્શિતા દાખવે છે કે પછી તંત્રની આ ‘ભેદી’ મૌનની નીતિ યથાવત રહે છે.

કલોલ સમાચાર ગુજરાત સમાચાર