જાગ રે પોલીસ જાગ Part 2 :  કલોલમાં ભયંકર ટ્રાફિક સમસ્યા વચ્ચે ઊંઘતી પોલીસ

જાગ રે પોલીસ જાગ Part 2 :  કલોલમાં ભયંકર ટ્રાફિક સમસ્યા વચ્ચે ઊંઘતી પોલીસ

Share On

જાગ રે પોલીસ જાગ Part 2 :  કલોલમાં ભયંકર ટ્રાફિક સમસ્યા વચ્ચે ઊંઘતી પોલીસ

BY પ્રશાંત લેઉવા

 

કલોલ શહેરનો આજે ચોતરફ વિકાસ થઈ રહ્યો છે ત્યારે શહેરના માર્ગો ઉપર વાહનોની સંખ્યા પણ વધી છે. આ સંખ્યાને જોતા કલોલ શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહી છે પરંતુ નઘરોળ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

કલોલ શહેરના સ્ટેશન રોડ, નવજીવન રોડ, ટાવર ચોક, રેલવે અન્ડરબ્રિજ, રેલવે ફાટક, ત્રણ આંગળી સર્કલ, ખૂની બંગલા, મામલતદાર કચેરી તેમજ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. મીડિયામાં ચમકેલા સમાચાર બાદ સફાળી જાગેલી કલોલ પોલીસે ખુની બંગલા પાસે રોડ વચ્ચે જ અસ્તવ્યસ્ત રીતે બેરીકેડ મૂકી દીધા છે, જેને કારણે અકસ્માતનો ખતરો વધ્યો છે. આ બેરીકેડ ગમે ત્યારે આડાઅવળા થઈ જતા હોય છે. તેને કારણે જો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેઓ પ્રશ્ન પણ ઉભો થયો છે. રાત્રિના સમયે બેરીકેડ દૂરથી દેખાતા નથી જેથી રાત્રે પણ અકસ્માત સર્જાય તેવી ભીતિ રહેલી છે. પોલીસ તંત્ર દ્વારા આ રીતની અધુરી કામગીરીથી પ્રજાની સમસ્યાનું નિવારણ આવવાને બદલે મુશ્કેલીઓ વધી રહી છે.

 

કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે ઝુંબેશ કર્યા બાદ પણ ટ્રાફિકના પ્રશ્નનો ઉકેલ આવી શક્યો નથી. શહેરના ગુરુદ્વારા રોડ પર ભારે ટ્રાફિકથી રાહદારીઓ,વાહનચાલકો અને વેપારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિક દરમિયાન વાગતા હોર્નને કારણે ધ્વની પ્રદુષણ પણ હદ વટાવી ચુક્યું છે.

 

પોલીસ પાસે ટ્રાફિક નિવારણનો કોઈ કાયમી ઉકેલ જ નથી

શહેરમાં ટ્રાફિકજામ તેમજ રોડ વચ્ચે વાહનો પાર્ક ન થાય તે જોવાની જવાબદારી પોલીસની હોય છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા રસ્તા વચ્ચે આડેધડ વાહન પાર્ક કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી.  કલોલમાં પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા કાયદાની કડક અમલવારી કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. કલોલ શહેરમાં થતા આ ટ્રાફિક જામમાં ઘણી વખત પોલીસની ગાડીઓ પણ ફસાઈ જતી હોય છે પરંતુ તેઓ પોતાની નૈતિક ફરજ સમજીને ગાડીમાંથી ઉતરીને ટ્રાફિક ક્લીયર કરાવતા નથી તેવું પણ વાહનચાલકો જણાવી રહ્યા છે.કલોલ શહેર પોલીસ પાસે આ ટ્રાફિકના પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ નથી તેમ પણ પ્રજામાં ચર્ચા ઉઠી છે.

ભારે વાહનો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ક્યારે ?

કલોલ શહેરમાં વધતા ટ્રાફિકને લઈને ભારે વાહનોના પ્રવેશ પર સવારે આઠથી રાત્રીના આઠ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જોકે ગાંધીનગરથી બહાર પડાયેલું આ જાહેરનામું ફક્ત કાગળ પર જ રહી ગયું છે. કલોલ શહેરમાં ટ્રકથી માંડીને ખાનગી લકઝરી ચાલકો દિવસ દરમિયાન પ્રવેશ કરીને ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે. જેને કારણે અન્ય વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસ દ્વારા ભારે વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કલોલ શહેરના સાંકડા રસ્તાઓ પર લક્ઝરી અને ટ્રક જેવા ભારે વાહનો દિવસ દરમિયાન ટ્રાફિકજામ કરે છે. જેને કારણે લોકોનો કિંમતી સમય અને ઇંધણનું વ્યય થતો હોય છે. કલોલમાં પ્રવેશબંધી હોવા છતાં ખુલ્લેઆમ દિવસ દરમિયાન લક્ઝરી બસો અને માલવાહક વાહનોની સતત અવરજવર ચાલુ જ હોય છે. આ વાહનો રસ્તા વચ્ચે જ માલસામાન ચડાવતા ઉતારતા હોવા છતાં તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર સાંભળતું ન હોવાથી રોષ ફાટી નીકળ્યો છે.

કલોલની મામલતદાર કચેરી સામે આડેધડ વાહન પાર્કિંગથી આક્રોશ 

કલોલમાં આવેલ મામલતદાર કચેરી સામે વાહનોના ખડકલાથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચેરીના કામ અર્થે આવતા અરજદારો મનફાવે તેમ પોતાના કાર અને બાઈક રોડ વચ્ચે જ મૂકી દેતા હોય છે. આ ઉપરાંત કચેરી સામે આવેલ શોપિંગ સેન્ટર પાસે પણ આડેધડ વાહન પાર્કિંગ કરી દેવામાં આવતા રસ્તો સાંકડો થઇ ગયો છે.કલોલની મામલતદાર અને પ્રાંત કચેરીમાં દિવસ દરમિયાન હજારો લોકો વિવિધ કામ અર્થે આવતા હોય છે. કચેરીની સામે જ મુખ્ય માર્ગ આવેલ છે. આ માર્ગ પર લોકો આડેધડ વાહન મૂકીને જતા રહે છે. જેને કારણે રસ્તો સાંકડો થઇ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા વચ્ચે જ વાહનોના ખડકલાથી ટ્રાફિક જામ થઈ જતો હોય છે. આ કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની અવર જવર રહેતી હોવા છતાં તેમનું ધ્યાન આ સમસ્યા પર ગયું લાગતું નથી.

બેફામ વાહન ચલાવતા સગીરોનાં વાલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો

કલોલ શહેરની ખાનગી શાળાઓમાં સગીર વયના બાળકો વાહનો લઈને સ્કૂલમાં આવતા હોય છે. આ બાળકો ઘણી વખત અકસ્માત પણ સર્જતા હોય છે.  તેમની પાસે લાયસન્સ પણ હોતું નથી. બાળકોને વાહન ન આવડતું હોવાથી અકસ્માતનું જોખમ રહેલું હોય છે ત્યારે પોલીસ તંત્ર  આ તમામ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને વાહન લાવનાર બાળકના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવાનો વિષય છે.

કલોલ સમાચાર