જાગ રે પોલીસ જાગ Part 1 : કલોલમાં ઊંઘતી પોલીસથી અસામાજિક તત્વો બેફામ બન્યા
ડીવાયએસપી,શહેર પીઆઇ અને તાલુકા પીઆઇ આખરે કરે છે શું તેવી ચર્ચા જામી,કલોલ શહેર-તાલુકામાં વધતો ક્રાઈમરેટ ચિંતાનો વિષય
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલ શહેર અને તાલુકામાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે ડર જ રહ્યો નથી તેમ બેફામ બન્યા છે. છડે ચોક મારા મારી હત્યા જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા હોવાની નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે.
કલોલ તેમજ આસપાસનાં વિસ્તારમાં અપરાધીઓ કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તીને ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે.આ સંજોગોમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ભયનો માહોલ સર્જાયો છે ત્યારે પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
કલોલ શહેરમાં થોડા દિવસ અગાઉ બિલ્ડર રૂપાજી પ્રજાપતિ દ્વારા તેમના જમાઈ અને ભાઈનું અપહરણ કરી ઢોરમાર મારીને હત્યા કરાઈ હતી. આ રૂપાજી બિલ્ડર ને પકડવામાં પોલીસને બેથી ત્રણ દિવસનો સમય લાગ્યો હતો ત્યારે તેની કાર્ય પદ્ધતિ ઉપર સવાલો ઊભો થયો છે. રૂપાજી પ્રજાપતિને કોર્ટમાં હાજર કરવામાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને કોઈ ડર ન હોય તેમ બિન્દાસ રીતે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા. હત્યાનાં આરોપી પાસે પોલીસ જ નહોતી ત્યારે નાસી જાય તો કોની જવાબદારી તેવો સવાલ ઉભો થયો છે.
બીજી તરફ કલોલમાં જીઇબીની સામે આવેલ એક પકોડીના સ્ટોલ ધારકને જાહેરમાં છરીઓના ઘા મારવામાં આવ્યા હોવાનો બનાવ પણ સામે આવ્યો છે. જેને કારણે આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલોલ પાસે આવેલા કસ્તુરી નગરમાં ગરબા દરમિયાન મારામારી થઈ હતી જેમાં રેલ્વે પૂર્વમાં રહેતા યુવાનોએ એક યુવાનની હત્યા કરી હતી જ્યારે તેના ભાઈને ઇજાગ્રસ્ત કર્યો હોવાનો બનાવ પણ બન્યો છે.
કલોલ શહેર અને તાલુકામાં ઘરફોડ ચોરી, વાહન ચોરી. લૂંટફાટ.અપહરણ તેમજ હત્યાના બનાવો વધી રહ્યા છે. વાહનો અને મોબાઈલ ચોરાઈ જવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ઠેરઠેર દારૂ પકડાવવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. આ સંજોગોમાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી તે અંગે લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારની ચર્ચાઓ જામી છે.
કલોલમાં અસામાજિક તત્વોને સબક શીખવાડવો જરૂરી બન્યો
કલોલ શહેરમાં પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ થઈ રહી છે. શહેરના ચાર રસ્તાઓ તેમજ પાનના ગલ્લાઓ પર બેસી રહેલ આવારા તત્વો પર કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઇ છે. આવા તત્વો જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા હોય છે જેને કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સીંદબાદ, શુકન મોલ, બજાર વિસ્તાર તેમજ ટાવર આસપાસ લોકો મોડી રાત સુધી બેસી રહેતા હોય છે. ગુનાખોરીનો ગ્રાફ નીચો લાવવા પોલીસે કડક પગલાં ભર્યા સિવાય છૂટકો જ નથી તેમ લોકો માની રહ્યાં છે.આ ઉપરાંત કલોલના રેલવે પૂર્વ, પંચવટી તેમજ કલ્યાણપુરા વિસ્તારમાં પણ કડક પેટ્રોલિંગ જરૂરી બન્યું છે.
કલોલ પૂર્વ વિસ્તારમાં આખરે કેમ કડક પેટ્રોલિંગ નહીં ?
કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં ચોવીસે કલાક પોલીસ પેટ્રોલિંગ કરવા માટે લોકોએ માંગ કરી છે. રેલવે પૂર્વ અને આરસોડીયા સોસાયટી વિસ્તારમાં આશરે 35 હજારથી પણ વધુ લોકો રહે છે. આટલા મોટા વિસ્તારમાં ફક્ત એક જ પોલીસ ચોકી આવેલ હોવાથી પોલીસ માટે પણ ચારે તરફ નજર રાખવી અશક્ય છે.રેલવે પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધવા લાગી છે જેથી કડક પોલીસ પેટ્રોલિંગ કરવું જરૂરી થઇ ગયું છે. આ ઉપરાંત સવાર સાંજ જાહેર રોડ પર આવેલ ચાર રસ્તા તેમજ પાનના ગલ્લાઓ પર લોકો અડિંગો જમાવીને ઉભા રહેતા હોય છે તેમજ જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા હોય છે. વધુમાં વિસ્તારમાં યુવાધન પણ નશાના રવાડે ચડયું છે જેથી પોલીસ કડક કાર્યવાહી કરીને નશાકારક ચીજવસ્તુઓના સપ્લાયરોને પકડી પાડે તો યુવાનોનું ભવિષ્ય બગડતું અટકી શકે છે તેમ રહીશો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના મત અનુસાર પૂર્વમાં દિવસ અને રાત દરમિયાન પોલીસની પીસીઆર વાનને સતત પેટ્રોલિંગમાં રાખવામાં આવે જેથી લોકોને સુરક્ષાનો અનુભવ થઇ શકે. આ ઉપરાંત લવલી ચોક,રઘુવીર,ચોકડી,ઉમિયા નગર ચોકડી જેવા વિસ્તારોમાં પાનના ગલ્લા પર અડ્ડા જમાવી બેસી રહેતા અસામાજિક તત્વો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ટ્રાફિક સમસ્યાના નિવારણમાં પોલીસને કોઈ રસ નહીં, જુના પીઆઇ આર.આર.પરમાર લોકોને યાદ આવ્યા
કલોલ શહેરમાં તહેવારો ટાણે ટ્રાફિક સમસ્યા વકરી છે. શહેરના મટવા કુવા, ખૂની બંગલા, ત્રણ આંગળી સર્કલ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં દિવસ દરમિયાન ટ્રાફિકજામ થતો હોય છે પરંતુ પોલીસ દ્વારા આ ટ્રાફિકના નિવારણ માટે કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. કલોલમાં ગુરુવારના રોજ મટવા કુવા ખાતે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ત્યાં કોઈપણ જાતના પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યો નહોતો તેવું વાહનચાલકોએ જણાવ્યું હતું. કલોલમાં જ્યારે જૂના પીઆઈ આર.આર. પરમાર હતા ત્યારે તેઓ ટ્રાફિક જામને ક્લિયર કરાવવા માટે ખુદ રોડ ઉપર ઉતરી જતા હતા. આ ઉપરાંત શહેરમાં નિયમિત રીતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરીને રસ્તા ખુલ્લા કરાવવાની કામગીરી હાથ ધરતા હતા પરંતુ નવા પીઆઇ દ્વારા પોલીસ પોઇન્ટ મૂકવાની પણ તસ્દી લેવાઈ નથી તેમ ચર્ચાઇ રહ્યું છે.