વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભામાં કેમ આકરા પાણીએ થયા,વાંચો
ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે નર્મદા યોજનાના બજેટના સંદર્ભમાં મારા વિચારો રજૂ કરું છું . રૂપિયા ૫૯૫૦ કરોડની જે ફાળવણી કરી , એમાં એવો ઉલ્લેખ કરેલ છે કે નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે ૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે . વાત સાચી પણ , લખે છે , જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે . મારી શુદ્ધ જાણકારી મુજબ હજી આ ૧૮ લાખ હેકટરમાંથી આપણે ૭ કે ૮ લાખ હેકટરથી વધારે જમીનોને સિંચાઇ આપી શક્યા નથી . એટલે એ જમીનો કે જયાં આપણે સિંચાઇનો લાભ આપ્યો નથી એની કાયાપલટનો કોઇ પ્રશ્ન રહેતો નથી . વર્ષ ૧૯૭૯ માં આનો આપણને એવોર્ડ મળ્યો . આ રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને ગુજરાતની આંતરરાજ્ય યોજના છે . ૯૦ ટકાથી વધારે કેચમેન્ટ એરિયા મધ્યપ્રદેશમાં છે . જે ૮૫ હજાર સ્ક્વેર કિ.મી. છે . મહારાષ્ટ્રનો કેચમેન્ટ એરિયા ૧૬૦૦ સ્કવેર કિ.મી. છે અને ગુજરાતનો કેચમેન્ટ એરિયા ૯૮૦૦ સ્ક્વેર કિ.મી. છે .
એટલે મધ્યપ્રદેશ ગુજરાત કરતા લગભગ ૧૦ ગણો કેચમેન્ટ એરિયા ધરાવે છે , છતાં જે તે વખતની ગુજરાત સરકારની ધારદાર રજૂઆતોના કારણે ર૮ મિલિયન એકરફીટમાંથી આપણા ભાગમાં ૯ મિલિયન એકરફીટ પાણી આવ્યું . મધ્યપ્રદેશને ૧૮ મિલિયન એકરફીટ પાણી ગયું . ગુજરાતને ૯ મિલિયન એકરફીટ પાણી આવ્યું . એમાંથી ૨૦૨૪-૨૫ સુધીમાં આપણે ૧૮ લાખ હેકટર જમીનને સિંચાઇ પૂરી પાડવાની હતી , પણ દુઃખ સાથે કહેવું પડે છે કે હજુ પણ ૫૦ ટકા કામ પત્યું નથી . ૫૦ ટકા પણ કામ નહીં પતેલું હોવાના કારણે લગભગ ૧૦ લાખથી વધારે ખેડૂતો આ સરદાર સરોવર પ્રોજેકટના સિંચાઇના લાભથી વંચિત છે . બીજી બાજુ રાજસ્થાનના હિસ્સામાં આ આંતર રાજ્ય યોજનાના ભાગ રૂપે ફકત અર્ધો મિલિયન એકરફીટ પાણી આવ્યું અને એ છતાં રાજસ્થાન સરકારે એમાંથી ૧.૩ લાખ હેકટરના એમના ટારગેટની સામે ૨.૪ લાખ હેકટરને સિંચાઇ કરી અને નવપલ્લવિત કરી , એટલે આપણે રાજસ્થાન સરકારમાંથી શીખવા જેવું છે . ડેમના એકસ્પર્ટ , વોટર મેન , તજજ્ઞો , એન્જિનિયરો , પ્લાનિંગ કમિશનના માણસો એ બધા રાજસ્થાન પાસે શીખવા જાય છે . કયુ પરિબળ કામ કરે છે કે ગુજરાતની અંદર રાજસ્થાન કરતા સાડાનવ ગણું પાણી હોવા છતાં , નવ મિલિયન એકરફીટ પાણી હોવા છતાં આપણે ૫૦ ટકાનો આંકડો પણ પાર કરી શકયા નથી . એટલું જ નહીં , આ યોજનાના જે લક્ષ્યો હતા , એમાં એવું હતું કે ગુજરાતની જમીનોને સિંચાઇ મળે . જમીનો નવપલ્લવિત થાય , જમીનો સમૃદ્ધ થાય , જમીનો નવપલ્લવિત અને સમૃદ્ધ થાય એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધે . એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ખેડૂતને વધે એટલે બે પૈસા એ ખેડૂતના ગજવામાં વધારે આવે એટલે દાડિયાને કે ખેતમજૂરને એ બે પૈસા ચૂકવણી વધારે કરે . એટલે ખેતમજૂર અને ખેડૂત , બધાનો સર્વાંગી વિકાસ થાય . આટલું મોટું નર્મદાની કેનાલોનું નેટવર્ક બને તો હજારો , લાખો લોકોને રોજગાર મળે . આ જ આખું પોવર્ટી એલિવેશન , ગરીબી નાબૂદીનું આયોજન હતું . સિંચાઇનું આયોજન હતું . એમ્પ્લોયમેન્ટ આપવાનું આયોજન હતું . એ તમામ આયોજનો અત્યારે આપણા લગભગ ખોરંભે ચડી ગયા છે . એટલું જ નહીં , પિયત મંડળીઓની એક લોક ભાગીદારી આખા ગુજરાતમાં સ્ટેટ વાઇઝ દરેક જિલ્લામાં , દરેક તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ઉભી કરવાની હતી . એમાં પણ આપણે ફેઇલ ગયા હતા .
એક નોટિફિકેશન બહાર પડીને ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ ના રોજ આખા ગુજરાતના પાણીના આયોજન માટે એક ગુજરાત સ્ટેટ , ગુજરાત વોટર રેગ્યુલેટરી ઓથોરિટીનું નિર્માણ કરવાની ઓફિસિયલ ગેઝેટમાં જાહેરાત થઇ . આજદિન સુધી એની કાંય ઓફિસ બની નથી . કમાન્ડ એરિયાની બહાર કાંય પાણી આપી શકાય નહીં . એવી સ્પષ્ટ એવોર્ડમાં જોગવાઇ છે . જો એ એવોર્ડનું વાયોલેશન કરવામાં આવે તો ૨૦૨૪-૨૫માં રીવ્યુ માટે આપણે ચારેય રાજ્યોએ બેસવાનું છે . મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કમાન્ડ એરિયાની બહાર પાણી આપી શકાતું નહીં હોવા છતાં સાણંદ જોડેના કેન્સ વિલાના ગોલ્ફ કોર્સમાં , અદાણીના શાંતિગ્રામમાં અને સી પ્લેન ઉડાડવા માટે રીવરફ્રન્ટમાં આ સિંચાઇનું પાણી આપવામાં આવેલ છે . and everything is on record . આ બધું જ નર્મદા સ્ટેટ કંટ્રોલ ઓથોરિટીના રેકોર્ડમાં જમા થઇ રહ્યું છે . એટલે જયારે આપણે બધા રાજયો ચારેય સિંચાઇ માટે બેસીશું , આ એવોર્ડના રીવ્યુ માટે બેસીશું ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અંગે આપણે બહુ ભીંસમાં મૂકાવાના છીએ .
આ બધું આપણા પગમાં આવવાનું છે . આપણે પિયત મંડળીઓ બનાવી નહીં . આપણે ૫૦ ટકા કામ કર્યુ નહીં . આપણે કમાન્ડ એરિયાને કવર કર્યો નહીં . કમાન્ડ એરિયાની જોગવાઇનું ઉલ્લંઘન કરીને બીજી જગ્યાએ પાણી આપ્યું . આ બધા પ્રશ્નોના કારણે જો કાલે ઉઠીને મધ્યપ્રદેશ એવી પોઝિશન લે કે ગઇ વખતે તો અમે સદભાવના બતાવીને ગુજરાતની જનતા , ગુજરાતની સિંચાઇ અને ગુજરાતના ખેડૂતોના હિતમાં અમે ૯ મિલિયન એકરફીટ પાણી આપ્યું , પણ આ વખતે તમારું જે પ્રમાણેનું મીસ મેનેજમેન્ટ છે . આપણે મોન્યુમેન્ટલ મીસ મેનેજમેન્ટનું એકઝામ્પલ જે સેટ કર્યુ . જે વિતરણની વ્યવસ્થા ઉભી ના કરી . ગાંધીનગરમાં એક સેન્ટ્રલાઇઝ કંટ્રોલ બોડી હોવી જોઇતી હતી . એ ટોટલ ડિસ્ટ્રીબ્યુશન જે થઇ રહ્યું છે એની ઉપર એક નજર રાખે . આ કશું નહીં કરવાને કારણે કાલે ઉઠીને જો મધ્યપ્રદેશ એવી પોઝિશન લે કે હવે તમને ૯ મિલિયન એકરફીટ પાણી નહીં આપી શકીએ અને ગુજરાતનો ખેડૂત જે ૧૦ લાખ ખેડૂતો ઓલરેડી વંચિત છે , એ હજી વધારે વંચિત રહ્યાં . Who will be responsible ? આના માટે કોણ જવાબદાર રહેશે ? માનનીય અધ્યક્ષશ્રી , મધ્યપ્રદેશ છે , એણે આના માટેનું સ્પેશ્યલ સેક્રેટરીએટ ઉભું કરી દીધું . હજી રીવ્યુ માટેનો આપણો કોઇ ડીફેન્સ , આપણું કોઇ પેપર વર્ક કશું તૈયાર નથી . આ એવા સમયમાં થઇ રહ્યું છે માનનીય અધ્યક્ષશ્રી , જયારે ગુજરાત સરકાર , કેન્દ્ર સરકાર જયારે એકથી વધારે પોતાના અહેવાલોમાં સતત એવું કહે છે કે ગુજરાતમાં ૬૯ તાલુકા એ સેમી ક્રીટીકલમાં આવે છે . ૧ ર તાલુકા ક્રીટીકલ અને ૩૧ તાલુકા ખાસ કરીને ઉત્તર ગુજરાતના છે એ ઓવર એકસ્પ્લોઇટરની કેટેગરીમાં છે . તો નર્મદાના સિંચાઇના પાણીનો લાભ આપણને જો મળતો હોય , રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરતા હોય , ભૂગર્ભ જળ રીચાર્જ કરવાની સ્ટેટ વાઇડ , રાજય વ્યાપી , કોમ્તિહેન્સીવ યોજના હોય તો સવાસો તાલુકા ક્રીટીકલ , સેમીક્રીટીકલ અને ઓવર એકસ્પ્લોઇટરની કેટેગરીમાંથી છેલ્લા ૧૦ વર્ષથી કેમ બહાર નથી આવતા ?
આ બહુ ગંભીર સવાલ છે , આપણા રાજયની સરકારે બાજુની ત્રણ રાજયોની સરકારો પાસેથી ૭૨૨૫ કરોડ રૂપિયા લેવાના નીકળે છે , થોડા હળવાશના ટોનમાં કહું તો આપણા મુખ્યમંત્રીને આપણે જાહેર જીવનમાં દાદા તરીકે ઓળખીએ છીએ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને મામા તરીકે ઓળખીએ છીએ . તો ગુજરાતના આપણા દાદા મધ્યપ્રદેશના મામા ને લખે કે અમારા ભાગના જેટલા લેણા નીકળે છે તે બધા તમે ચુકવણું કરો . માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના છે અને દિલ્હીમાં બેઠા છે અને એ છતાં ૭૨૨૫ કરોડ જેટલી માતબર રકમનું આપણું ચુકવણું ન થાય ? માનનીય અધ્યક્ષશ્રી , ગુજરાતના આદિવાસી ભાઇઓએ સરદાર સાહેબના નામે બનેલા સરોવરમાં , સરદાર સાહેબના નામે બનેલા સ્ટેચ્યુમાં હજારોની હજારો એકર જમીન આપી . પણ પણ એ આદિવાસી પટ્ટાના હજારો આદિવાસીઓને ન સિંચાઇનું પાણી મળે છે કે ન પીવાનું પાણી મળે છે . એવા પણ કેટલાક આદિવાસી વિસ્તારના ટેકરા અને પર્વતો છે જેના ઉપર તમે ચડો તો સામે તમને કરજણ ડેમનું પાણી દેખાય , તમારી આંખ સામે તમને સરદાર સરોવરનું પાણી દેખાય , પણ આદિવાસી ભાઇઓને સિંચાઇનું કે પીવાનું પાણી મળતું નથી . એટલે કોઇ બાળક આઇસ્ક્રીમની ફેકટરીમાં કામ કરે છે . પણ એમાંથી એક ચમચી પણ એને ખાવા મળતું નથી . ગરુડેશ્વર વિયરની ઉપરના અને આજુ બાજુના ૭૦ ગામોમાં , હું જવાબદારી પૂર્વક કહું છું કે આજે પણ સિંચાઇ અને પીવાના પાણીના બન્નેના ગંભીર પ્રકારના પ્રશ્નો છે .
ઉત્તર ગુજરાતની અંદર થરાદની અંદર ૯૭ ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન છે . ૨૫ વર્ષથી મારા વિધાનસભા વિસ્તાર વડગામના લોકો લાલજી મામા ખેડૂત આગેવાનના સમયથી ૨૫ વર્ષથી એકધારું વડગામ કહી રહ્યું છે કે અમારા મુકતેશ્વર ડેમ અને કરમાવ તળાવમાં નર્મદાનું પાણી આપો. આ ૨૫ વર્ષથી એકધારી ડિમાન્ડ કર્યા પછી ૧૦૯ કરોડની જોગવાઇ કરી , આ વખતના બજેટમાં પણ ૧૦૯ કરોડની જોગવાઇ કરી પણ એક ઇંટ હજુ સુધી મુકવામાં આવી નથી . એટલે રેઇન વોટર હાર્વેસ્ટીંગનું એક કોમ્પ્રેહેન્સીવ આયોજન નહીં .
નર્મદાની સિંચાઇનું ૯ મિલિયન એકર ફીટ પાણી આપણા કવોટામાં આવ્યું તેનું આપણને ગૌરવ હોવું જોઇએ . પણ તેનું પણ કોઇ આયોજન નહીં . કેટલા જળાશયો છે , કેટલા ડેમ છે એ બધાના કન્ટ્રોલ માટે એક સ્ટેટ લેવલનું મિકેનીઝમ ડેવલપ કરવું જોઇએ તે કરવામાં આપણે ફેઇલ ગયા છીએ . આ બધાના કારણે આવતા વર્ષે જયારે રીવ્યુમાં આપણે બેસીશું ત્યારે ગુજરાતની પરિસ્થિતિ ભીંસમાં ન મૂકાય તેના માટે રાજય સરકારને હાથ જોડીને ગુજરાતના લાખો ખેડૂતોના હિતમાં વિનંતી કરું છું કે તાબડતોબ રીવ્યુ માટેની તૈયારી ચાલુ કરે . માનનીય અધ્યક્ષશ્રી છેલ્લે એટલું કહેવા માગું છું કે પર ડ્રોપ , મોર ક્રોપ , આપણે ખરેખર આ બાબતમાં જો ગંભીર હોઇએ તો છેલ્લે એટલી વાત કરીને મારી વાત પૂરી કરીશ કે દરેકે દરેક નર્મદાના ડ્રોપનો હિસાબ આપણે એક પ્રકારનું જેને વ્હાઇટ પેપર કહેવાય એ બહાર પાડીને ગુજરાતની જનતા સમક્ષ અને આ સન્માનનીય વિધાનસભા સમક્ષ મુકવું જોઇએ.