કલોલની ખાસ પોક્સો અદાલતે સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના અને તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપમાં સંડોવાયેલા આરોપી ચેતન ઉર્ફે ચીન્ટુ સોલંકીને નિર્દોષ જાહેર કર્યો છે. અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ પરસ્પર સુસંગત નથી, જેના કારણે આરોપી વિરુદ્ધનો ગુનો ‘નિઃશંકપણે’ સાબિત થતો નથી.
આ કેસની વિગત મુજબ, વર્ષ 2022માં ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી તેમની 12 વર્ષીય સગીર પુત્રીને લલચાવીને બત્રીસ ક્વાટર્સ વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, સુનાવણી દરમિયાન ભોગ બનનારના નિવેદનોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. ભોગ બનનારે મેજિસ્ટ્રેટ સમક્ષ કે ડોક્ટર સમક્ષની તપાસમાં ક્યાંય પણ આરોપીએ તેની સાથે બળજબરી કરી હોવાનું કે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું નહોતું. વધુમાં, તબીબી પરીક્ષણમાં પણ ભોગ બનનાર કે આરોપીના શરીર પર કોઈ જ ઈજાના નિશાન મળી આવ્યા નહોતા.
અદાલતે પંચનામાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે પંચ સાહેદોએ કબૂલ્યું હતું કે પોલીસે અગાઉથી તૈયાર કરેલા કાગળો પર તેમની સહીઓ લીધી હતી. ઉપરાંત, ભોગ બનનારની ચોક્કસ ઉંમર સાબિત કરવા માટે રજૂ કરાયેલા જન્મના દાખલાના મૂળ રજીસ્ટર વર્ષ 2015ના આંદોલન વખતે આગમાં બળી ગયા હોવાનું સામે આવતા ઉંમર બાબતે પણ શંકા પેદા થઈ હતી. આ તમામ પાસાઓને ધ્યાને રાખી, ખાસ જજ બ્રિજેશકુમારી આર. રાજપુતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
