લાલિયાવાડી : કલોલનાં અરજદારે મુખ્યમંત્રીને કહ્યું, પોલીસ ફરિયાદ લેતી નથી, અંતે વિઝા એજન્ટ વિરુદ્ધ FIR નોંધાઇ
મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા બાદ કલોલ શહેર પોલીસે ગુનો નોંધ્યો
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. કલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી જેને પગલે અરજદાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની ફરિયાદ લેવામાં આવી નહોતી. જેને પગલે અરજદારે છેક મુખ્યમંત્રી સુધી લાંબા થવાની ફરજ પડી હતી.
મુખ્યમંત્રીના ધ્યાને વાત આવતા તેમણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગાંધીનગર એસપીને તેમના તાબાના પોલીસ મથકોમાં શું થાય છે તેની ખબર હોવી જોઈએ કહી ખખડાવ્યા હતા. અરજદારે સ્વાગત કાર્યક્રમમાં આ પ્રકારની ફરિયાદ કરતા શહેર પોલીસ સ્ટેશનમાં નારોલના વિઝા એજન્ટ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઈ છે.
કલોલમાં રહેતા મહેશકુમાર પટેલ વેપાર કરીને પોતાનો ગુજરાત ચલાવે છે. અમદાવાદના જીગ્નેશ રાઠોડ અને જયા રાઠોડ નામના એજન્ટોએ તેમને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ અને વિઝીટર વિઝા અપાવવા માટે 16 લાખ રૂપિયા મેળવી લઈને બાદમાં છેતરપિંડી આચરીને પરત આપ્યા નહોતા. જેને પગલે મહેશભાઈ પટેલે પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું. જો કે પોલીસે તેમની એફઆઈઆર નોંધી નહોતી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે અમારી અરજીને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક એજન્ટને બોલાવીને પૂછપરછ કરીને જવા દીધો હતો પરંતુ અમે ફરિયાદ આપતા તેમણે આ અમારા કાર્યક્ષેત્રમાં આવતું ન હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાની રજૂઆત થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને અરજદારની ફરિયાદ નોંધવા માટેની કડક શબ્દોમાં સૂચના આપતા કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ પટેલની ફરિયાદ લેવામાં આવી હતી. એક ફરિયાદ માટે છેક મુખ્યમંત્રી સુધી જવું પડતું હોય તો સામાન્ય માણસોની તો પોલીસ સ્ટેશનમાં શું હાલત થતી હશે તે વિચારવા લાયક મુદ્દો છે.